Sihor
સિહોર સહિત સમગ્ર તાલુકામાં રક્ષાબંધન પર્વની લાગણીભીના ભાવથી ઉજવણી
પવાર
જનોઇ બદલાવીને શ્રાવણી પર્વની ઉજવણીઃ અનેક જગ્યાએ સામુહીક રક્ષાબંધન પર્વ ઉજવાયો ; રક્ષાબંધન, બળેવ અને નાળિયેરી પૂર્ણિમાની પણ ઉજવણી : સિહોર સહિત ગોહિલવાડમાં બહેનોએ ભાઈને રાખડી બાંધી, બ્રાહ્મણોએ શિવાલયોમાં જનોઈ બદલાવી, ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું
સિહોર સહીત તાલુકામાં આજે રક્ષાબંધન પર્વની લાગણીભીની ભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જુદી જુદી જગ્યાએ બહેનો પોતાના ભાઇની રક્ષા માટે કંકુ તિલક કરીને અને આશીર્વાદ સાથે મીઠુ મોઢુ કરાવીને રક્ષારૂપી રાખડી બાંધી હતી. અનેક જગ્યાએ રક્ષાબંધન પર્વની સામુહીક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જનોઇ બદલાવીને શ્રાવણી પર્વની ઉજવણી કરવામાં આવી છે અને બ્રહ્મસમાજ દ્વારા સામુહીક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે રક્ષાબંધન, બળેવ અને નાળિયેરી પૂનમ ત્રિવિધ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવારે બ્રાહ્મણોએ વિવિધ શિવાલયોમાં જઈને યજ્ઞોપવિત બદલાવી હતી. જ્યારે બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. આ ઉપરાંત નાળિયેરી પૂર્ણિમાની પણ ઉજવણી થઈ હતી, જેમાં ખારવા સમાજ દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ પૂનમના દિવસે એક સાથે ત્રણ તહેવારો ઉજવવામાં આવે છે, જેમાં આ ભદ્રાકાળ આવતા બહેનો પોતાના ભાઈને ક્યારે રાખડી બાંધવી તેની મુજવણ રહી હતી, જાકે આજે સવારે જ મોટા ભાગની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
જ્યારે સિહોર સહિત સમગ્ર ગોહિલવાડના વિવિધ શિવાલયોમાં સામુહિક જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન, મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે બ્રાહ્મણોએ જનોઈ બદલાવી હતી, આ ઉપરાંત ખારવા સમાજ દ્વારા પણ આજે દરિયાદેવનો પૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક લોકોએ પણ દરિયા જઈ પૂજન અર્ચન કર્યું હતું, આમ સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે રક્ષાબંધન અને નાળિયેરી પૂર્ણિમાના વિવિધ તહેવારને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.