Bhavnagar
રાહુલ ગાંધીના સભ્યપદ રદ કરવા માટે કૉંગ્રેસી કાર્યકર્તાઓ ભાવનગરમાં વિરોધ કરે તે પહેલા જ પોલીસે રોક્યા
પવાર
રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકાર્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમનું સંસદનું પદ રદ કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કૉંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને એક નિવેદન બદલ અદાલતે બે વર્ષની સજા ફરમાવ્યા બાદ તેમને સંસદ સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનું આ પગલું લોકશાહી માટે ગંભીર અને પ્રાણઘાતક હોવાનું જણાવી ગુજરાતમાં વિરોધ અને દેખાવો થઇ રહ્યા છે.
ભાવનગરમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાહુલ ગાંધીના સમર્થનમાં ક્રેસન્ટ સર્કલમાં ગાંધીજીની પ્રતિમા સમક્ષ સત્યાગ્રહ કરવાની જાહેરાત થઇ હતી. આજે બપોરે કોંગ્રેસ સંગઠનના હોદેદારો, આગેવાનો, એસ.સી. ડિપાર્ટમેન્ટ, ઓબીસી ડિપાર્ટમેન્ટ, માઇનોરીટી ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તથા કાર્યકરો ક્રેસન્ટ પહોંચતા જ સત્યાગ્રહ કરે તે પહેલાં જ પોલીસ કાફલાએ તેઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાય હતા. આ સત્યાગ્રહ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ એસ.સી ડિપાર્ટમેન્ટ, ઓબીસી ડિપાર્ટમેન્ટ, માયનોરિટી ડિપાર્ટમેન્ટના હોદેદારો, આગેવાન, કાર્યકરો તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.