Sihor
લોખંડના સળિયા પ્રકરણમાં પીઆઇ સસ્પેન્ડ – સમગ્ર ઘટનામાં સિહોર ભાવનગરના શખ્સો ઝડપાયા હતા

પવાર
- વટામણ નજીક સળિયાના ગેરકાયદેસર કરવામાં આવતા વેપલાના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, કામગીરીમાં નિષ્કાળજીને લઈને પીઆઇને સસ્પેન્ડ કરાયા
તાજેતરમા પોલીસ ટીમ દ્વારા વટામણ તારાપુર વચ્ચે ભાવનગરથી આવતી લોખંડના સળિયા ભરેલી ટ્રકોમાંથી, કેટલાક સળિયા તારાપુર નજીક ઉતારી અને તેનો વેપલો કરતા સિહોર તેમજ ભાવનગરના ઇસમને ઝડપી પાડી એક સુચારું નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ફરજમાં બેદરકારી બદલ તારાપુર પી.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તારાપુર PI વિજય ચારણને રેન્જ આઈજી ઘ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વટામણ તારાપુર વચાળે મહિયારી ગામની સીમવાળા પડતર ખેતરમાં કેટલાક ઈસમો સળિયા ઉતારતા હોવાની બાતમી આણંદ એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી એક ખેતરમાં ઊભેલી ટ્રકોમાંથી લોખંડના સળિયા ઉતારવામાં આવતા હોવાથી, તપાસ કરતા ભાવનગરથી સળિયા લઈને નીકળતા ટ્રકમાંથી કેટલાક સળિયા મૂળ માલિક કે ખરીદી કરનારની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઉતારી, તેનો વેપલો કરવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આ મામલામા પોલીસે સિહોર તેમજ ભાવનગરના છ શખ્સોની અટક કરી હતી. 15 દિવસથી આ રીતની પ્રવૃત્તિ ચાલતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં એસ.ઓ.જી. એ ભાવનગરના સંજય સિંહ ઉર્ફે એસપી પ્રદ્યુમનસિંહ સરવૈયા, મહુવાના ભુપતસિંહ જીલુભા કામળીયા, સિહોરના વિક્રમભાઈ માલુભાઈ ઉધેડીયા, સંજયભાઈ વિઠ્ઠલભાઈ ખસિયા, મુસ્તુફા યુસુફભાઈ સંધિ તેમજ સંજય પ્રેમજીભાઈ ચાવડાની અટક કરી હતી. આ પ્રકરણમાં તારાપુર પોલીસ મથકના PIની નિષ્કાળજીનું કારણ બતાવીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વિજય ચારણે તારાપુર પોલીસ મથકનો ચાર્જ લીધો હતો. આ પહેલાં તેઓ પેટલાદના CPI તરીકે ફરજ બજાવતા હતા.