Sihor
સિહોરનાં ખાંભા ગામે પાણી ભરેલી ખાણમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
પવાર
ચોમાસાની સીઝન શરુ છે ત્યારે ગત મહિને સિહોર વિસ્તારમાં પડેલ વરસાદના કારણે તાલુકાના લગભગ વિસ્તારોના જળાશયો, અને ડુંગરોની ઊંડાણવાળી ખાણોમાં પાણી ભરાયાં છે ત્યારે ઘણી વખત અજાણતાં પાણીમાં ન્હાવા જવાથી કે અન્ય કારણોથી લોકો ડૂબી જવાની ઘટના બને છે, સિહોર તાલુકાનાં ખાંભા ગામે આવેલ ડુંગરાળ વિસ્તારમાં કંચનબેન ખાટાભાઈ મકવાણા (ઉ.વ.૩૫) જેઓ ગામનાં સીમ વિસ્તારમાં પોતાના બકરા ચરાવવા માટે ગયેલ, જ્યાં ડુંગરાળ ખાણમાં વરસાદી પાણી ભરાયેલું હોય, જેમાં ઓચિંતા પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયેલ,આસપાસ કોઈ લોકો ન હોય જેથી બચાવ કામગીરી પણ ન થઈ શકી , અંતે કંચનબેનનું આકસ્મિક મોત થયું હતું. આ ઘટનાની ગામ લોકોને જાણ થતાં ગામનાં સરપંચ ઘનશ્યામભાઈ મોરી સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયેલ અને મૃતકને તાત્કાલિક સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં,
ગામનાં સરપંચ અને હાજર આગેવાનો દ્વારા આ ઘટના અંગેની જાણ સિહોર પોલીસ તેમજ સિહોર મામલતદાર કચેરીએ કરાઈ હતી, સિહોર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શ્રી મુબારક ભાઈ, યશપાલસિંહ ગોહિલ તેમજ દિવ્યરાજસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલા જ સિહોર પાસેના ડુંગરાળ વિસ્તારમાં એક યુવકનું આ જ રીતે પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું, ત્યારે આજે ફરી બનેલી આ ઘટના આઘાતજનક છે, શંખનાદ ન્યૂઝ વતી સમગ્ર વિસ્તારના યુવાનો અને તમામ લોકોને અપીલ છે કે પાણી ભરેલાં જળાશયો કે તળાવો ખરેખર જીવહાની કરી શકે છે, ત્યારે આ તમામ જગ્યાઓ પર સાવધાની રાખવી તે આપણાં માટે અને આપણાં પરિવાર માટે ખૂબ જરૂરી છે.