International
ફરી એકવાર કેનેડાના હિન્દુ મંદિરમાં તોડફોડ, દીવાલો પર લખાયા ભારત વિરોધી સૂત્રો

કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે ઓન્ટારિયોમાં વિન્ડસર સ્થિત એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. વિન્ડસર પોલીસે તોડફોડને ‘દ્વેષપૂર્ણ ઘટના’ તરીકે તપાસ શરૂ કરી છે, પોલીસ બે શકમંદોને શોધી રહી છે.
વિન્ડસર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘5 એપ્રિલ, 2023ના રોજ નફરતથી પ્રેરિત તોડફોડના અહેવાલોને પગલે અધિકારીઓને નોર્થવે એવન્યુના 1700 બ્લોકમાં એક હિન્દુ મંદિરમાં મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓને બિલ્ડિંગની બહારની દીવાલ પર કાળા રંગમાં હિંદુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી જોવા મળી.
તપાસમાં પોલીસ અધિકારીઓને એક વીડિયો મળ્યો જેમાં બે શકમંદો મધ્યરાત્રિ (સ્થાનિક સમય) પછી જોવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું, ‘વીડિયોમાં એક શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગની દિવાલમાં તોડફોડ કરતો જોવા મળે છે, જ્યારે બીજો નજર રાખી રહ્યો છે.’
અગાઉ પણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા
આ પહેલીવાર નથી કે કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય અને તેની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હોય. આ પહેલા ફેબ્રુઆરીમાં કેનેડાના મિસિસોગામાં રામ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંદિરની અપવિત્રતાની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
જાન્યુઆરીમાં, બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિરને ભારત વિરોધી ગ્રેફિટીથી વિકૃત કરવામાં આવ્યું હતું, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરની તોડફોડની નિંદા કરતા કહ્યું હતું કે આ કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડે છે. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ મંદિરની તોડફોડની નિંદા કરી હતી.