Palitana
હવે…પાલીતાણાથી ખાંભા સુધીનાં વિસ્તારમાં પણ સિંહ દર્શન થઈ શકશે

પવાર
પ્રકૃતિ પ્રેમીઓ આનંદો, સિંહોની વસ્તી વધતા રાજય સરકારે લીધો મહત્વનો નિર્ણય
પ્રકૃતિ પ્રેમીઓને સિંહ દર્શન માટે હવે સાસણગીર નહી જવું પડે કારણ કે રાજય સરકાર હવે નજીકનાં સમયમાં જ પાલીતાણાથી ખાંભા સુધીનાં વિસ્તારને ટુરીસ્ટ તરીકે વિકસાવશે ઉલ્લેખનીય છે કે ઉપરોકત વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતા રાજય સરકારે ઉપરોકત નિર્ણય લીધો છે. રાજ્યમાં સિંહ દર્શન માટે હવે સાસણનો ધક્કો થોડા સમય પછી નહીં થાય. રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે. સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજુ સ્થળ સરકાર વિકાસાવશે. મળતી માહિતી પ્રમાણે, પાલીતાણાથી ખાંભા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિક્સાવશે. આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતાં સરકારે નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારના સમન્વયથી નવું ટુરિસ્ટ પ્લેસ વિક્સાવશે. સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી પણ વિકસાવી શકે છે. વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે.
સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે. વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓ જેમકે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે. સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કોલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગૌરવ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.