Gujarat
કોંગ્રેસની સત્ય શોધક સમિતિમાં ગુજરાતના એક પણ નેતાને એન્ટ્રી નહી

કુવાડિયા
ગુજરાત કોંગ્રેસમાં કેટલી હદે ટાંટિયા ખેંચ અને આંતરિક વિખવાદ છે તે દિલ્હી હાઈકમાન્ડ સારી રીતે જાણે છે, રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે આંતરિક વિખવાદને લઈ ગુજરાતમાં ન આવ્યા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડી હાર બાદ હવે કોંગ્રેસની સત્ય શોધક સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિ હારના કારણો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને સોંપશે. જાે કે, આશ્ચર્યની વચ્ચે આ સત્ય શોધક સમિતિમાં ગુજરાતમાંથી એક પણ કોંગી નેતાને એન્ટ્રી આપવામાં આવી નથી. તેના ઉપરથી અંદાજાે લગાવી શકાય છે કે, કોંગ્રેસમાં કેટલી હદે આંતરિક વિખવાદ અને ટાંટિયા ખેંચ ચાલી રહી છે. એવું પણ ચર્ચાય છે કે, ચૂંટણીમાં રાહુલ ગાંધી આંતરિક વિખવાદના કારણે પ્રચારમાં આવ્યા નહોતા.
હવે આ સત્ય શોધક સમિતિ શું ઉકાળે છે અને કેવા કારણો શોધે છે તે જાેવું રસપ્રદ બની રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના અણધાર્યા પરિણામથી કોંગ્રેસ હાઈમાન્ડ પણ ચોંકી ઊઠ્યું હતું. હવે મોડે મોડે હાઈકમાન્ડે સત્ય શોધક સમિતિ બનાવી છે પણ તેમાં એક પણ ગુજરાતના નેતાનો સમાવેશ કરવામા આવ્યો નથી. આ સમિતિમાં ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો.શકિલ એહમદ ખાન અને સપ્તગિરી શંકર ઉલાકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાંથી એક પણ નેતાનો સમાવેશ ન કરવામાં આવતા ફરી કોંગ્રેસમાં ચાલતો જૂથવાદ સામે આવી રહ્યો છે. ૧૯૯૦ બાદ ગુજરાતમાં કોંગ્રેસે સૌથી ઓછી ૧૭ સીટ મેળવી હતી અને તેમાં પણ આંતરિક વિખવાદ અને ટાંટિયા ખેંચ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. સત્ય શોધક સમિતિ એક સપ્તાહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને રિપોર્ટ સોંપશે અને બાદમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી શકે છે.