Bhavnagar
ભારતીય ટપાલ વિભાગનો નવતર પ્રયોગ : સુરતના હજીરાથી ભાવનગર વચ્ચે તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ કરાઈ

મિલન કુવાડિયા
સુરતના હજીરાથી ભાવનગર વચ્ચે તરંગ પોસ્ટ ડાક વહન સેવા શરૂ થઇ. સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પોસ્ટ વિભાગ હવે દરિયાઈ માર્ગથી લોકોને ટપાલ અને પાર્સલ પહોંચાડશે. સુરતથી ભાવનગર ટપાલ કે પાર્સલ પહોંચાડવા 32 કલાકનો સમય લાગતો હોય છે. હવે તે સમય તરંગ પોસ્ટ સેવાથી 7 કલાકનો થઈ જશે. ભારતીય ટપાલ વિભાગ હંમેશા અલગ અલગ સેવાઓ દ્વારા લોકો માટે કાર્યરત છે. ત્યારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દરિયાઈ માર્ગે ટપાલ તેમજ અલગ અલગ પાર્સલો મોકલવાનો નવો પ્રયોગ સુરતના હજીરાથી શરૂ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટ સેવાને તરંગ પોસ્ટ નામ આપવામાં આવ્યું છે અને હજીરાથી ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગે ટપાલ તેમજ પાર્સલોનું તરંગ પોસ્ટના માધ્યમથી પરિવહન થશે. રો-રો ફેરી સર્વિસનીની સાથે તરંગ પોસ્ટ સેવા કાર્યરત થઈ હોવાના કારણે જે ટપાલ અને પાર્સલ સુરતથી ભાવનગર પહોંચવામાં 32 કલાક લાગતો હતો તે હવે માત્ર 7 કલાકમાં પહોંચી શકશે.
રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા તરંગ પોસ્ટ સર્વિસનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે તરંગ પોસ્ટ સર્વિસ અંતર્ગત સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઓફિસથી હજીરા સુધી ટપાલ તેમજ પાર્સલો પોસ્ટ વિભાગના મેલ મોટર સર્વિસ વાહન દ્વારા લઈ જવામાં આવશે. ત્યારબાદ આ ટપાલ અને પાર્સલ રોરો ફેરીમાં મૂકી તેને ઘોઘામાં લઈ જવામાં આવશે ત્યારબાદ અન્ય વાહન ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં આ ટપાલ તેમજ પાર્સલ પહોંચાડશે. પોસ્ટ વિભાગ રેલ પરિવહન, માર્ગ પરિવહન અને હવાઈ પરિવહનની સાથે દરિયાઈ માર્ગે ટપાલ તેમજ પાર્સલનું પરિવહન કરવામાં પણ આગળ આવ્યો છે.