Bhavnagar
માળનાથ ગ્રુપ દ્વારા ઉત્તરાયણનું પર્વ પૂર્ણ થતા ઠેર ઠેર લટકાયેલી 21 કિલો દોરી એકત્ર કરી નાશ કર્યો
દેવરાજ
ઉત્તરાયણ પર્વને પૂર્ણ થતાં ઠેરઠેર દોરીઓ લટકતી જોવા મળે છે. જેને કારણે પક્ષીઓ તેમજ માનવ જાત માટે ઘાતક નીવડે છે. પતંગની ધારદાર દોરીઓના કારણે પક્ષીઓ અને લોકોની જિંદગી જોખમમાં મૂકાય છે. લટકતી દોરીઓના કારણે પક્ષીઓનો જીવ જોખમમાં ન મૂકાય તે માટે ભાવનગરના માળનાથ ગ્રૂપના હરિભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા જુદાં જુદાં વિસ્તાર માંથી 21 કિલો જેટલી દોરી એકઠી કરી તેનો નાશ કર્યો હતો. શહેરમાં ઉત્તરાયણ આવતાની સાથે પક્ષીઓ પર મોત તોળાતું હોય છે, તેઓ દર વર્ષે દજ્યાં-ત્યાં લટકતી પતંગની દોરીઓ હોય તે એકઠી કરીને પક્ષીઓ ભોગ બનતા અટકે તેવા પ્રયાસો કરે છે.ભાવનગરના હરિભાઈ શાહ છેલ્લા 11 વર્ષથી શહેરમાં પતંગની દોરીઓ એકઠી કરીને પક્ષીઓ માટે દૂત બન્યા છે. વૃક્ષ પર, તાર પર કે રસ્તામાં પડેલા દોરીના ગૂંચળા વગેરે એક થેલીમાં અથવા બોક્સમાં ભરે છે.
ગત વર્ષે 23 કિલો દોરી એકઠી કરીને સળગાવી દીધી હતી. આ વર્ષે પણ 21 કિલો જેટલી દોરી એકઠી કરી નાશ કર્યો હતો, હરિભાઈએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી ખૂબ ખતરનાક આવે છે. તેનાથી પક્ષીઓ મોતને ભેટે છે. લોકોમાં જાગૃતિ આવી હોવાથી હવે દોરીઓ ઓછી લટકતી જોવા મળે છે, પરંતુ દર વર્ષે 35થી વધુ પક્ષીઓના મોત થાય છે જે ચિંતાજનક છે. કારણકે આપણે ત્યાં શહેરની ભૌગોલિક સ્થિતિના કારણે વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે અને શિયાળામાં આવતી ઉત્તરાયણ પક્ષીઓ માટે ઘાતક બની જાય છે. શહેરના ગંગાજળિયા તળાવ કે જ્યાં સૌથી મોટી વસાહત પેન્ટર્ડ સ્ટોક (ઢોક બગલા)ની છે. બચ્ચાઓ અને પેન્ટર્ડ સ્ટોર્ક બંને પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ પણ પામે છે.આ કાર્યમાં હરિભાઈ શાહ, દર્શન ચૌહાણ, કિરીટભાઈ રજપૂત તથા મુકેશભાઈ વાંકાણી સહિતના ગ્રૂપના સભ્યો કાર્યમાં જોડાયા હતા.