Bhavnagar
ભાવનગરમાં પતંગની દોરીએ અઢી વર્ષની બાળકીનો ભોગ લેતા અરેરાટી

પવાર
પિતા બાળકીને મોટર સાયકલમાં બેસાડી બહાર લઈ જતા હતા ત્યારે કરૂણ બનાવ બન્યો ; શહેરની લાલ ટાંકી પાસે દોરી બાળકીના ગળાના ભાગે આવી જતા ગંભીર ઈજા બાદ મોત નિપજયુ : ઉત્તરાયણ પર્વના બીજા દિવસે અકસ્માત બન્યો, ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીના કારણે કેટલાક લોકોને ઈજા થતી હોય છે અને કયારેક કોઈ વ્યકિતનુ મોત પણ નિપજતુ હોય છે, આવો જ બનાવ ગઇકાલે રવિવારે ભાવનગર શહેરમાં બન્યો હતો. ભાવનગરમાં પતંગની દોરીએ અઢી વર્ષની બાળકીનો ભોગ લેતા અરેરાટી મચી જવા પામી હતી. પિતા બાળકીને મોટર સાયકલમાં બેસાડી બહાર લઈ જતા હતા ત્યારે લાલ ટાંકી પાસે કરૂણ બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પર્વના બીજા દિવસે એટલે કે ગઈકાલે રવિવારે સાંજના પ.૪પ કલાકના સમય આસપાસ ઉત્તર પ્રદેશના વતની અને ફુલસરમાં રહેતા પુનીતકુમાર યાદવ તેની અઢી વર્ષની પુત્રી કીર્તિને મોટર સાયકલ પર બેસાડી બહાર જતા હતા ત્યારે બોરતળાવની લાલ ટાંકી પાસે પતંગની દોરી બાળકીને ગળામાં આવતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી અને ખુબ જ લોહી નિકળ્યુ હતું. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ઈજાગ્રસ્ત બાળકીને તત્કાલ સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જયાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા અરેરાટી મચી જવા પામી હતી.
બાળકીનુ મોત નિપજતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. આ બાબતે પોલીસે એ.ડી.દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વમાં દોરીથી અકસ્માત ના સર્જાય તે માટે તંત્ર દ્વારા વારંવાર સુચના આપવામાં આવતી હોય છે. આવા બનાવ અટકાવવા જ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને વેચાણકર્તા સામે પગલા લેવામાં આવતા હોય છે.
રોડ પર લટકતી દોરીઓ ઉત્તારી લેવી જરૂરી
ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વ પૂર્ણ થઈ ગયો છે પરંતુ કેટલાક રોડ પર દોરીઓ લટકતી હોય છે, જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે. તાર, વૃક્ષ પર લટકતી દોરી વાહન ચાલકોના ગળામાં આવતી હોય છે અને ઈજા થતી હોય છે ત્યારે આવી દોરીઓ તત્કાલ હટાવવી જરૂરી છે. સરકારી તંત્રએ તેમજ લોકોએ આવી દોરી તત્કાલ દુર કરી અકસ્માત અટકાવવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.