Sihor
કમોસમ બની મોસમ : સિહોર ; ટાણા વિસ્તારના અનેક ગામોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ
સંદીપ રાઠોડ
અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો ; સિહોર સહિતના પંથકોમાં કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો, પાક નિષ્ફળ જવાની ભીતિ
સિહોર સહિત ભાવનગર જિલ્લો જાણે કાશ્મીર બની ગયો હોય તેમ ભરઉનાળામાં કરાનો વરસાદ થઈ રહ્યો છે. પરમ દિવસે સિહોરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી બિહામણાં વીજ કડાકા-ચમકારા વચ્ચે કરા સાથેનો ધોધમાર વરસાદ વરસાવી દીધા બાદ આજે ટાણા સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં કરાની સાથે કમોસમી વરસાદ ખાબકી ગયો હતો.
સિહોર તાલુકાના ટાણા સહિત ગામોમાં આજે સાંજે ૬ કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. ટાણા અને આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદની વરસ્યો હતો,
ટાણા ઉપરાંત વરલ, થાળા, બેકડી, ગુંદાળા, લવરડા, બુઢણા, અગીયાળી, દેવગાણા, વાવડી, રાજપરા, બોરડી, સહિતના ગામોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતાં રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા. ઉનાળામાં જાણે ચોમાસાનો માહોલ સર્જાયો હોય તેવું વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. જેથી ખેડૂતોને ઉભા પાકમાં નુકશાની જવાની ચિંતા સતાવી હતી.
ઘણી જગ્યાએ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી જતાં વાડીમાં ખેતમજૂરી કરતા લોકોને રજા આપી દેવામાં આવી હતી. અંધારપટ કરી દે તેવા કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં પડાવ નાંખ્યા બાદ ઠંડો પવન પણ ફૂંકાયો હતો.