National
IndiGo : કતાર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનમાં થયું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું હતું કારણ

દોહા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વાસ્તવમાં આ નિર્ણય ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સીના કારણે લેવામાં આવ્યો હતો. ઈન્ડિગો એરલાઈને આ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત બગડતાં ફ્લાઈટને કરાચીમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 9E1736 દિલ્હીથી કતારની રાજધાની દોહા જઈ રહી હતી. મુસાફરી દરમિયાન, એક મુસાફરે ખરાબ તબિયતની ફરિયાદ કરી, જેના પછી પ્લેનના પાયલટે નજીકના કરાચી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. જેના પર કરાચી એર ટ્રાફિક કંટ્રોલે ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.
બીમાર પડેલા મુસાફરની ઓળખ અબ્દુલ્લા (60 વર્ષ) તરીકે થઈ છે અને તે નાઈજીરીયાનો નાગરિક છે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કરાચીમાં ઉતરાણ કરતા પહેલા જ મુસાફરનું મૃત્યુ થયું હતું. ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ અને મૃતકોના પરિવાર અને સંબંધીઓ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. એરલાઈને જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરીને અન્ય મુસાફરોને ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે.