Sihor
સિહોરમાં માથું ઉચકતો ઉચકતો ; બે બાળકીને તાવ ભરખી ગયો
પવાર
- સફાઇ અભિયાનના અભાવે મચ્છરોનો ત્રાસ, ગંદકીના ધામ બનેલા સિહોરમાં એક સપ્તાહમાં બે બાળકીના તાવ આવવાથી મોત, નગરપાલિકાના સફાઇ અભિયાનના અભાવે મચ્છરોનો ત્રાસ અસહ્ય બન્યો
સિહોરમાં એક જ સપ્તાહમાં તાવને કારણે બે બાળાઓના મોત નિપજતા સિહોર શહેરમાં ચર્ચા જાગી છે. નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાનમાં કચાશ રખાતી હોવાથી સિહોર ગંદકીનું ધામ બની ગયું છે. નગરજનોમાં આ બાબતે ભારે કચવાટ વ્યાપ્યો છે. સિહોરમાં પાંચવડા વિસ્તારમાં રહેતી રિદ્ધિ પ્રકાશભાઈ રાઠોડ અને યશ્વી દીપકભાઈ રાઠોડનું તાવને કારણે મોત નિપજ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. એક દીકરી ધોરણ ચારમાં અને બીજી દીકરી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આ બંને દીકરીઓના ઘર પાસે ખુલ્લો પ્લોટ છે. અને એમાં આજુબાજુના રહીશો કચરો નાખતા હતા.
આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને અનેક રજૂઆતો કરવા છતાં આ કચરો ત્યાંથી હટાવાયો નહીં અને આખરે મચ્છરોનો ત્રાસ વધતાં આ બંને બાળાઓ તાવના સકંજામાં આવી હતી. સિહોર નગરપાલિકાનો સફાઇ વિભાગ સાવ રેઢિયાળ બની ગયો છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો તો કરાઇ છે,પણ પરિણામ શૂન્ય જ આવે છે. 80 જેટલા કર્મચારીઓને છૂટા કરાયા પછી સફાઇની સેવા સાવ નગણ્ય બની ગઇ છે. ઠેર-ઠેર કચરાના ઢગલાં પડ્યા હોય છે. સિહોરમાં આ જ વિસ્તારમાં બે-ત્રણ તાવના શંકાસ્પદ કેસ હોવાનું જાણવા મળેલ છે. બે માસુમ બાળાઓનો ભોગ લેવાયો બાદ હવે તંત્ર જાગશે કે પછી હોતા હૈં ચલતા હૈંની નીતિ જ અપનાવશે. આ બાબતે નગરજનોએ સ્વયંભૂ તંત્રના કાન આમળવા પડશે અન્યથા હજી કોઇ માનવ જિંદગી આ રીતે મોતના મુખમાં ધકેલાતી રહેશે. અને તંત્ર નિંભર બનીને આ બધું જોયા કરશે.