Sihor
નાણાં નહિ માનવતા મહાન : ગરીબોના બેલી ડો યાદવ

દેવરાજ ; પવાર
સિહોર ; ડો યાદવે ફરજની સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો ; ભવ્ય અને શાહી સન્માનિત સાથે ભારે હૈયે વિદાય
સિહોર સરકારી હોસ્પિટલમાં 14 વર્ષ સુધી સેવા આપનાર ડો યાદવને પ્રમોશન મળતા આજે બપોરના સમયે ભવ્ય વિદાય સમારોહ યોજાયો, ડો યાદવે એમના સ્વભાવ અને કામના કારણે શહેરના પ્રત્યેક વ્યક્તિના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું છે
દુશ્મનને પણ ડોકટર અ્ને કોર્ટના પગથીયાના ચડાવે તેવું વડીલો કહે છે તે આમ નથી કહેવામાં આવ્યું. બન્ને સ્થળ એવા છે કે જે ઘરના ઘર ખાલી કરાવી દયે. દર્દીઓ પર કાતર ફેરવી દર્દને ધંધો બનાવી બેઠેલા ડોકટરોને કારણે તમામ ડોકટરોને લોકો એક નજરે જુએ છે. પરંતુ સિહોર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો યાદવની માનવતાની શબ્દોમાં વાત ન થઈ શકે તેમણે ખરા અર્થમાં દર્દી દેવો ભવ:ના સૂત્રને સાર્થક કર્યું છે તેઓએ હજારો લોકોની તબીબી સેવા દ્વારા લોકોની સેવા કરી છે ત્યારે તેઓ સિહોર સરકારી હોસ્પિટલમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા હતા ડો યાદવે ફરજની સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો તે કહેવું યોગ્ય લાગશે તેઓને પ્રમોશન મળતા સિહોરથી પાલીતાણા ખાતે બદલી થતા આજે બપોરના સમયે સરકારી હોસ્પિટલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ડો યાદવમે સન્માનિત કરવા માટે અનેક સંસ્થાઓ તેમજ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં પોલીસ સ્ટાફ, ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, મુસ્લિમ સમાજ, માલધારી સમાજ, બ્રહ્મસમાજ તેમજ અલગ અલગ સર્વ જ્ઞાતિના લોકો ડો યાદવને ભવ્ય રીતે સન્માનિત કરીને શુભેચ્છાઓ પાઠવીને ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિએ તેમના સ્વભાવ, અને કામગીરીને શબ્દોથી બિરદાવી હતી. ખાસ કરી હોસ્પિટલ સ્ટાફે ભારે હૈયે સન્માનિક કરી ડો યાદવને વિદાય આપી હતી
ભાવુકતા સાથે ડો યાદવે સિહોરનો આભાર વ્યક્ત કર્યો
આભાર…. સિહોર
આજથી ચૌદ વર્ષ પહેલા એટલે કે 2009 માં સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર તરીકે હાજર થવાનું થયું. મારા અનુભવને આધારે લોકોની પીડાને મારી પીડા ગણી જન આરોગ્યની સેવા કરવાનો અવસર મળ્યો. સમયની સાથે તાલ મેળવતા અહીંથી જ મને માસ્ટર ડિગ્રી કરવા માટેની તક મળી અને ફરી પાછા સ્ત્રી રોગ નિષ્ણાત/ સર્જન તરીકે સિહોરમાં જ સેવા પ્રદાન કરવાની તક મળી જે આજ સુધી અવિરત રહી. જ્યારે આજે તબીબી ક્ષેત્રે વર્ગ – ૧ નું પ્રમોશન મળવાથી સિહોર છોડીને અન્ય સ્થળે જવાનું છે ત્યારે મને હંમેશા સહકાર આપનાર સિહોર અને આસપાસની જનતા, સામાજિક સંસ્થાઓ, નગર શ્રેષ્ઠિઓ તેમજ અનેક મિત્રોનો આ તકે આભાર માનુ છુ. આપ સૌના હૃદયસ્થ સહકાર થકી આ મુકામ પર પહોંચી શક્યો છુ. ડૉક્ટર તરીકેનો વ્યવસાય સ્વિકાર્યો ત્યારથી જ સેવાનો ભેખ ધારણ કરવાની નેમ લીધેલ. રાત – દિવસ સમય જોયા વગર સિહોરની જનતાની સેવા કરવાનો અવસર મળ્યો એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અંતે એટલું ચોક્કસ કહીશ કે સિહોર અને આ વિસ્તાર હંમેશા હ્રદયમાં રહેશે. સમગ્ર સેવાકાળ દરમિયાન ક્યારેય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. ફરી ફરી સૌનો આભાર.
હંમેશા આપની સેવામાં…
ડો. આર.જી યાદવ