Ahmedabad
અમદાવાદમાં ભયાનક અકસ્માત : ઇસ્કોન બ્રિજ પર ઊભા લોકો પર બિલ્ડર પુત્રએ જેગ્યુઆર કાર ચડાવી : કોન્સ્ટેબલ સહિત 9 ના મોત
બરફવાળા
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રીજ પાસે સર્જાયેલા એક અન્ય અકસ્માત જોવા ઉભા રહેલા લોકો ખુદ કાળનો કોળીયો બન્યા, અકસ્માત સ્થળે વધુ એક અકસ્માત: 160 ઝડપે જેગુઆર કાર ચલાવી એક સ્થળે અનેકને હડફેટે લીધા: મૃતકોમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર-બોટાદના 20-25 વર્ષના યુવાનો સામેલ: પોલીસ કોન્સ્ટેબલ પણ ભોગ બન્યા, મોડીરાત્રીના દુર્ઘટના ભયાનક ટકકરમાં અનેક છેક 20-30 ફુટ દુર ફંગોળાયા: અકસ્માત સર્જનાર અને તેના સાથી પણ ઘાયલ: લોહીના ખાબોચીયા ભરાયા
ગુજરાતના પાટનગર સમાન અમદાવાદમાં ગઈરાત્રીના એક અત્યંત ગોઝારા અને ખૂબજ વિચિત્ર કહી શકાય તેવા એકશનમાં ઈસ્કોન પુલ પાસે એક ડમ્પર તથા ‘થાર’ જીપ વચ્ચે સર્જાયેલા એક નાના અકસ્માતમાં ઘવાયેલા લોકોને બચાવવા તથા આ અકસ્માત જોવા માટે ઉભેલા લોકો પર એક ખૂબજ ઝડપથી આવેલી જેગુઆર કારે હડફેટમાં લેતા એક પોલીસ તથા હોમગાર્ડ જવાન સહિત નવ લોકો માર્યા ગયા હતા. જેગુઆર અત્યંત ઝડપે 160 કિમીની સ્પીડથી આવી રહી હતી તેને માર્ગમાં સંખ્યાબંધ લોકો અકસ્માત સ્થળની આસપાસ ઉભા હતા તેના પર આ ઓવરસ્પીડ કાર ચડાવી દેવાઈ હતી. મૃતકોમાં અમદાવાદ-બોટાદ તથા સુરેન્દ્રનગરના રહેવાસીઓને સમાવેશ થાય છે તો આ જેગુઆર ચલાવનાર યુવાન સ્થાનિક કુખ્યાત ઈમેજ ધરાવનાર એક વ્યક્તિનો પુત્ર હતો અને તેની સાથે અન્ય એક યુવાન તથા એક યુવતી પણ જેગુઆરમાં હતા જે ત્રણેને આ દુર્ઘટનાથી ઈજા થઈ હતી. આ દુર્ઘટનામાં જેગુઆર એટલી ઝડપે ટોળા પર ચડી ગઈ હતી કે તેની હડફેટમાં આવેલા કેટલાક 25-30 ફુટ દુર સુધી ફંગોળાઈ ગયા હતા. અમદાવાદના રાત્રીના પણ ધમધમતા રહેતા અમદાવાદ-ગાંધીનગર માર્ગના ઈસ્કોન ઓવરબ્રીજ પાસે આ દુર્ઘટના મોડીરાત્રીના બની હતી. ઈસ્કોન બ્રીજ પરથી પસાર થતા એક ડમ્પરની પાછળ મહિન્દ્રા ‘થાર’ ઘુસી ગઈ હતી અને તેથી અહી લોકો એકત્ર થઈ ગયા હતા તે સમયે કર્ણાવતી કલબ તરફથી ઓવરસ્પીડમાં આવી રહેલી ચાલકે માર્ગ પર ઉભેલા ટોળાની ઉપર જ તેની જેગુઆર ચડાવી દેતા જબરી ચીસાચીસ તથા નાસભાગ થઈ હતી તથા અનેક લોકો ઘાયલ થતા આસપાસ લોહી વહેવા લાગ્યું હતું. જેમાં અગાઉના અકસ્માત અંગે કાર્યવાહી કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ ધરમેન્દ્રસિંહ તથા એક હોમગાર્ડ પણ આ જેગુઆરની હડફેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં છ લોકોના તો ઘટના જ સ્થળે મૃત્યુ થયા અન્ય ત્રણે હોસ્પીટલમાં સારવાર સમયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ અકસ્માત એટલો જોરદાર હતો અને તેની હડફેટમાં આવેલા લોકોની ચીસાચીસથી માર્ગ ગાજી ઉઠયો અને જેગુઆર ચાલક તથા તેની સાથે રહેલાને પણ ઈજા થઈ હતી તેથી તેઓને સ્થાનિક લોકોએ કારમાંથી બહાર કાઢીને ટપલીદાવ કર્યો હતો પણ બાદમાં તેઓને પણ સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે કાર્યવાહી શરુ કરી છે અને ઈજાગ્રસ્ત ચાલક પર પોલીસ પહેરો ગોઠવી દીધો છે.