Sihor
હીરાબાનું વૈકુંઠગમન : વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનું મોજ
કુવાડિયા
વડાપ્રધાન મોદીના માતુશ્રીએ શુક્રવારની વ્હેલી સવારે અંતિમ શ્વાસ લીધા : ૧૦૦ વર્ષની ઉંમર હતી : બે દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : શોકમગ્ન પીએમ મોદીએ પાર્થિવ દેહને કાંધ અને મુખાગ્ની આપી : અંતિમયાત્રામાં પરિવારજનો – મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા
કોઇપણ મનુષ્યનું જીવન તેની માતાથી શરૂ થાય છે. માતા… એ ફકત શબ્દ જ નથી પણ આ શબ્દમાં આખુ વિશ્વ સમાઇ જાય છે તેથી જ કહેવાય છે કે ‘જનની ની જોડ સખી નહિ મળે રે લોલ.’ ગોળ વિના મોળો કંસાર, ‘માતા વિના સુનો સંસાર.’ જે માતાની માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં ચર્ચા છે એવા આપણા વડાપ્રધાન મોદીના માતુશ્રી હીરાબા શુક્રવારે ૧૦૦ વર્ષની ઉંમરે દેવલોક પામતા સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. વડાપ્રધાનના માતુશ્રીની અંતિમ યાત્રા શુક્રવારે સવારે ગાંધીનગર ખાતે નીકળી હતી જેમાં વડાપ્રધાન મોદી, પરિવારના સભ્યો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. ગાંધીનગરના સ્મશાન ગૃહ ખાતે હીરાબાના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદી અને તેમના ત્રણ ભાઇઓએ માતા હીરાબાને મુખાગ્ની આપી હતી.
જે પછી સદગતના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. સ્મશાન ગૃહ ખાતે વડાપ્રધાન મોદી ભાવુક બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન થયું છે. તબિયત લથડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, શાનદાર સદીનું ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાં હંમેશામાં ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે. પીએમ મોદી પણ તરત દિલ્હીથી ગાંધીનગરના રાયસણ પહોંચ્યા હતા. બાદમાં માતા હીરાબાની અર્થીને કાંધ આપી હતી. ગાંધીનગરના સેક્ટર ૩૦માં આવેલા સ્મશાનગૃહમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.