Bhavnagar
હર… હર… મહાદેવ, હર.. હર.. ગંગેના નાદ સાથે હરિદ્વાર ટ્રેનનું પ્રસ્થાન
Pvar
રેલવે સ્ટેશન પર મુસાફરો અનેરો ઉત્સાહ-ખુશી જોવા મળી, પ્રસ્થાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, સાંસદ, સાધુ-સંતોએ લીલીઝંડી આપી ટ્રેન રવાના કરી
શિવના શ્રાવણમાં ભાવનગરને મળેલી હરિદ્વારની સીધી ટ્રેનની આજે પ્રથમ ટ્રીપનું ભાવનગર રેલવે ટર્મિનસ પરથી હર… હર… મહાદેવ, હર.. હર.. ગંગેના નાદ સાથે પ્રસ્થાન થયું હતું. બુકીંગ ખુલતાની સાથે જ ટ્રેન હાઉસફૂલ થતાં ૯૮૭ યાત્રિકો મુસાફરી કરશે.
હરિદ્વાર ટ્રેનને મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે રેલવેની આવકમાં પણ સાત લાખથી વધુનો વધારો થયો હતો. ભાવનગરની જનતાની વર્ષો જૂની માંગણીને સંતોષી રેલવે બોર્ડે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ વિકલી ટ્રેનને મંજૂરી આપ્યા બાદ આજે સોમવારે રાત્રિના ૮-૨૦ કલાકે ભાવનગરથી હરિદ્વારની પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હરિના દ્વાર સુધી પહોંચાડનારી આ ટ્રેનને લઈ લોકોની આતૂરતા રેલવે સ્ટેશન પર જોતા જ બનતી હતી. પ્રસ્થાન કાર્યક્રમમાં ભાવનગર-બોટાદના સાંસદ, સાધુ-સંતો, મહામંડલેશ્વરો, ભાવનગરના મેયર, મ્યુનિ. કમિશનર, ડે.કમિશનર, ભાજપના આગેવાનો, કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખીચોખીચ ભીડથી ઉભરાઈ ગયું હતું.
કાર્યક્રમમાં ભાવનગર ડીઆરએમ, સાંસદ, સાધુ-સંતોએ પ્રાસંગિક પ્રવચન આપી હરિદ્વાર ટ્રેનની સુવિધા મળતા તેને વધાવી લીધી હતી. નિર્ધારીત સમય ૮-૨૦ કલાકે સાંસદ, સાધુ-સંતો વગેરેએ લીલીઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું ત્યારે ભાવનગર ટર્મિનસ જાણે કોઈ ધાર્મિક સ્થળ બની રહ્યું હોય તેમ હર… હર… મહાદેવ, હર.. હર.. ગંગેના નાદ ગુંજ્યા હતા. પ્રથમ ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકો અને ટ્રેનના સ્ટાફમાં પણ અનેરો ઉત્સાહ અને ચહેરા પર આનંદની અનેરી ખુશી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે, ભાવનગર-હરિદ્વાર ટ્રેનની પ્રથમ ટ્રીપમાં આખી ટ્રેન કલાકોમાં જ હાઉસફૂલ થઈ ગઈ હતી. તેવી જ રીતે હરિદ્વાર-ભાવનગર ટ્રેનની પ્રથમ ટ્રીપ પણ હાઉસફૂલ છે. આજે ઉપડેલી ટ્રેનમાં એડવાન્સ ટિકિટ બુકીંગ કરાવનારા ૯૮૭ યાત્રિકો મુસાફરી કરશે. જેમના થકી રેલવેને કુલ રૂા.૬,૯૯,૮૯૫ની આવક થઈ છે. આ ઉપરાંત અનરિઝર્વ્ડ મુસાફરોની આવક પણ થશે તેમ જાણવા મળ્યું છે.