Sihor
સિહોરની એકતા સોસાયટી થી લઈ જાળીયા મેઘવદરનો માર્ગ બિસ્માર ; લોકોમાં ભભૂકતો રોષ
પવાર
લોકો ભયભીત થઈને પસાર થાય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, લોકોની મુશ્કેલીઓ તંત્રને દેખાતી નથી, આ રોડ પીડબલ્યુડી અને જિલ્લા પંચાયતમાં આવે છે, આ રોડને લઈ અગ્રણીઓ પણ બળાપો ઠાલવ્યો
સિહોર સરકારી આરામગૃહની બાજુમાં થઇને મેઘવદર જાળીયા જતાં રોડથી લોકો ત્રાહિમામ છે સરકારી તંત્ર, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ તાલુકા પ્રમુખને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યાં છે અહીથી પસાર થતાં કૉલેજના વિદ્યાર્થીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ધાર્મિક સ્થળે જતા શ્રધ્ધાળુઓ, રાહદારીઓ.
અને વાહન ચાલકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી શાકભાજી લઈને હેલિપેડ સુઘી આવતા ખેડૂતો આ રોડથી કંટાળી ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રજુઆત કરવા છતા હજી આ રોડ બનાવવાના ઠેકાણા નથી. તાલુકા પ્રમુખ, તાલુકા સદસ્ય કે સરકારી અધિકારીઓ ફોર વ્હીલમાં પસાર થતાં હોય જેથી આ રોડના ખાડા કે મોટા મોટા પથ્થરના ટુકડા તેમને દેખાતા નથી.
અહીં નગરસેવકો, અને આગેવાનો સાથે સ્થાનિક લોકોનો બળાપો છે કે અરે ભાઇ અહીં રોડ નવો ન બનાવો તો કંઈ નહીં, માટી તો નાંખો કે લોકોને થોડી ઘણી રાહત થાય. સામાન્ય માણસની ચિંતા કરવી પણ જરૂરી છે.રોડની સાથે અહીં અંધારપટ પણ છવાયો છે. આરામ ગૃહની બાજુમાં હેલિપેડ આવેલું છે ત્યાં વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજી વેચાણ અર્થે ખેડુતો આવતા જતા હોય છે તેઓની હાલત પણ કફોડી બને છે