National
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ DRG જવાનો શહીદ
છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ત્રણ જવાનો શહીદ થયા છે. મૃતકોમાં ASI રામુરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ કુંજમ જોગા અને કોન્સ્ટેબલ વંજમ ભીમાનો સમાવેશ થાય છે.
પોલીસ મહાનિરીક્ષક (બસ્તર રેન્જ) સુંદરરાજ પીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ડીઆરજીની ટીમ સર્ચ ઓપરેશન પર હતી ત્યારે સવારે 9 વાગ્યાની આસપાસ જગરગુંડા અને કુંડા ગામો વચ્ચે અથડામણ થઈ હતી.
સ્થળ પર જવાનો મોકલવામાં આવ્યા હતા
સુંદરરાજ પીએ કહ્યું કે ટીમે રાજધાની રાયપુરથી 400 કિલોમીટર દૂર આવેલા જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે એએસઆઈ રામુરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ કુંજમ જોગા અને વંજમ ભીમા એન્કાઉન્ટરમાં માર્યા ગયા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે.
માઓવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નક્સલીઓના ગોળીબાર બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું છે.