Gujarat
કિરણ પટેલની માયાજાળમાં મદદ કરનારની ચિંતા વધી : તો મહાઠગને ‘ગાઇડેડ મિસાઇલ’ બનાવવાની પણ તૈયારી

કુવાડિયા
શ્રીનગરથી ડબ્બા જેવી પોલીસ વાનમાં બેસી કિરણ પટેલ અમદાવાદ પહોંચ્યો, અનેકના બીપી હાઇ થઇ ગયા : મર્યાદિત કેસ સુધી તપાસ રાખવા દબાણ, લાંબા સમયથી ગુજરાતના રાજકીય અને અધિકારીઓના વર્તુળમાં જાણીતા બનેલા કિરણ પટેલ ચોકકસ સ્ક્રીપ્ટ ઉપર જાય તે માટે પ્રયાસો શરૂ : જુના રાજકીય સ્કોર પણ પતાવાશે
આખરે ગુજરાતનો ફ્રોડ કિરણ પટેલને લઇને ગુજરાત પોલીસ જમ્મુથી રવાના થઇ ગયા બાદ રોડ માર્ગે પોલીસ વાનમાં જ કિરણ પટેલને બેસાડીને અમદાવાદ લાવી રહી છે અને આજે સાંજ સુધીમાં તે પહોંચી જશે. પરંતુ કિરણ પટેલ આવી રહ્યો છે તે ખબર મળતા જ અનેકના બીપી વધવા માંડયા છે અને ગુજરાત પોલીસ સામે તે કોઇ બોલી ન નાખે તેની ચિંતા છે. કિરણ પટેલે કંઇ ગુમાવવાનું નથી પણ કિરણ પટેલ કેસમાં ગુજરાતના કેટલાક ટોચના રાજકારણીઓ અને પોલીસ અને સનદી અધિકારીઓ પણ જબરો રસ ધરાવે છે અને તેઓ કોઇનો ‘દાવ’ કાઢી લેવાની તૈયારીમાં છે. કિરણ પટેલને ડબ્બા જેવી પોલીસ વાનમાં બેસાડીને હડડોલા ખાતો લાવવામાં આવી રહ્યો છે. જે રીતે યુપીના માફીયા ડોન અતિક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજની બાય રોડ સફર કરાવવામાં આવી હતી તે જ રીતે કિરણ પટેલને શ્રીનગરથી આ જ રીતે અમદાવાદ લવાઇ રહ્યો છે.
તે સમયે હવે સમગ્ર મામલામાં એ પણ ઘટસ્ફોટ થયો છે કે કિરણ પટેલ 2022માં પણ શ્રીનગર ગયો હતો અને 2023માં બે વખત શ્રીનગર પહોંચ્યો હતો અને તેની સાથે તા.6 થી 8 ફેબ્રુઆરી 2023ની મુલાકાતમાં સીએમઓના પૂર્વ અધિકારી હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા પણ સામેલ હતા. અને તેને પુલવામામાં ડીસી સાથે મીટીંગ પણ કરી હતી અને તેમાં તેણે વિજળી વગર કઇ રીતે સીસીટીવી ચલાવી શકાય તે પણ દર્શાવ્યું હતું જે અંગે ઇન્ડીયન એકસપ્રેસે એક વિશેષ રીપોર્ટ રજૂ કર્યો છે. પણ ગુજરાતમાં કેટલાક નેતાઓ અને અધિકારીઓની રીંગ બની ગઇ છે. જે કિરણ પટેલને ‘ગાઇડેડ મિસાઇલ’ બનાવવા માંગે છે અને પોતાની જુની રાજકીય દુશ્મનાવટનો હિસાબ પતાવવા માંગે છે. કિરણ પટેલ ચોકકસ લોકોના નામ આપે અને તે સ્ટોરીઓ અખબારોમાં ચમકતી રહે તે જોવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ બીજુ એક ગ્રુપ કિરણ પટેલ સામેની તપાસમાં હાલ ફકત પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના ભાઇના બંગલાનો કેસ જ ચાલે તે જોવા માંગે છે. તેમ છતાં રોજબરોજ નવી નવી કહાની સ્થાનિક અખબારોમાં આવતી જાય છે. હવે કિરણ પટેલ પોતાને ડેમેજ ન કરે તે જોવા માટે પણ અનેક એકશનમાં આવી ગયા છે.