National
દક્ષિણના દ્વાર’થી ભાજપને જાકારો : કર્ણાટકમાં કોંગ્રેસનો જયજયકાર
કુવાડિયા
કોંગ્રેસનું વાવાઝોડુ : ભાજપના સુપડાસાફ : એકઝિટ પોલ સાચા : ભાજપને ન મળ્યા ‘બજરંગબલી’ના આશીર્વાદ : કોંગ્રેસને બહુમતી : કાર્યકરોમાં ઉત્સાહના ઘોડાપૂર : સત્તા છીનવી વટભેર સરકાર રચવા તૈયારીઓ : મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ : રાજયના કોસ્ટલ ભાગો સિવાયના વિસ્તારોમાં ભાજપનો સફાયો
કર્ણાટક વિધાનસભાની પ્રતિષ્ઠાજનક ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન મારી લીધુ હતું. 224 બેઠકોમાંથી 134 પર સરસાઈ સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લેતા સતા પરિવર્તન નિશ્ર્ચિત બની ગયું હતું. ગત ભાજપ સરકારના ધુરંધર નેતાઓ પરાસ્ત થવા સાથે ભાજપને મોટી હારનો સામનો કરવો પડયો હતો. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે ગત 10મીએ મતદાન યોજાયુ હતું અને આજે સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. પ્રારંભીક ટ્રેન્ડમાં કાંટે કી વકરનું ચિત્ર ઉમટયા બાદ કોંગ્રેસનો ઘોડો આગળ દોડવા લાગ્યો હતો અને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી લીધી હતી. બપોરે બે વાગ્યાના પરિણામો-ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસને 224માંથી 134 બેઠકમાં જીત કે લીડ હતી જયારે ભાજપને 65, જેડીએસને 21 તથા અન્ય પક્ષો- અપક્ષોને 4 બેઠકમાં જીત કે લીડ હતી. 2018માં ભાજપને 104 બેઠકો મળી હતી તેની સરખામણીએ 39 બેઠકોનું નુકશાન થયું હતું. કોંગ્રેસને 80 બેઠક હતી તેમાં 54 બેઠકનો લાભ થયો હતો. જેડીએસને 37 બેઠકો હતી તેમાં તેને 16 બેઠકનું નુકસાન થયું હતું. ભાજપ સરકારના મોટાભાગના પ્રધાનોને પરાજયનો સામનો કરવો પડયો હતો.
કોંગ્રેસનું સ્ટીમરોલર ફરી વળ્યુ હોય તેમ રાજયના કોસ્ટલ વિસ્તારોને બાદ કરતા મોટાભાગના ક્ષેત્રોમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ધુરંધર નેતાઓએ પણ ઝુકાવ્યુ હતું તેમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈથી માંડીને પુર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જગદીશ શેટ્ટર, એચ.ડી.કુમારસ્વામી વગેરેનો સમાવેશ થતો હતો. તેમાંથી મુખ્યમંત્રી બોમ્મઈ, પુર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના સિદ્ધારમૈયા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે.શિવકુમાર, જેડીએસના વડા તથા પુર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી, ભાજપ નેતા વિજયેન્દ્ર, કોંગ્રેસના પ્રમુખ ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે વગેરેની જીત થઈ હતી. બીજી તરફ ભાજપના નેતા સી.ટી.રવિ, કોંગ્રેસમાં ભળેલા પુર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર વગેરેની હાર થઈ હતી. રાજયના ગૃહમંત્રી, મહેસુલ મંત્રી સહિત બે ડઝન પ્રધાનો પરાસ્ત થયા હતા. કર્ણાટકમાં સતત બીજી ટર્મ સતા મેળવવા માટે ભાજપ દ્વારા તમામ તાકાત કામે લગાડવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, અમીત શાહથી માંડીને કેન્દ્રીય પ્રધાનોની ફોજ પ્રચારમાં હતી અને પ્રચારનું કાર્પેટ બોમ્બીંગ કર્યુ હતું. પ્રચારમાં બજરંગબલી તથા કેરળ સ્ટોરીના મુદ્દા પણ ઉખેળવામાં આવ્યા હતા પરંતુ તમામ પાસા પાછા પડયા હોય તેમ ભાજપને હારનો સામનો કરવો પડયો હતો અને કોંગ્રેસની એકલા હાથે જીત થઈ હતી. મહત્વની વાત એ બની કે કર્ણાટકમાં દરેક ટર્મમાં પરિવર્તનનો 38 વર્ષનો ઈતિહાસ છે અને આજના પરિણામમાં અકબંધ રહ્યો હતો. ગત ટર્મમાં ભાજપની સતા હતી મતદારોએ પરિવર્તન કર્યુ હતું.