Bhavnagar
ભાવનગર ; સાયબર ક્રાઈમથી કઈ રીતે બચવું? SHE ટીમ સમગ્ર જિલ્લાના વિસ્તારોમા હજારો સિનિયર સિટીઝનને જાગૃત કરશે
કુવાડિયા
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે ૧૮ દિવસીય કાર્યક્રમ, ૧૧ એપ્રિલથી ૨૯ એપ્રિલ સુધી જિલ્લાભરમાં ૨૫ શી ટીમ સિનિયર સિટીઝન્સના ઘરે-ઘરે જઈ સમજ આપશે, એસપી કચેરી ખાતે ’શી ટીમ’ના ઇન્ચાર્જ-કર્મચારીઓને પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માર્ગદર્શન અપાયું
આજથી ૨૯ એપ્રિલ સુધી ભાવનગર શહેર અને ગ્રામ્યની ૨૫ શી ટીમ સિનિયર સિટીઝન્સના ઘરે-ઘરે જઈ સાયબર ક્રાઈમથી કઈ રીતે બચવું? તે અંગે જાગૃત કરશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો સિનિયર સિટીઝનો છે. જિલ્લા પોલીસ દ્વારા મોટા પાયે ૧૮ દિવસ આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. આજે એસપી કચેરી ખાતે શી ટીમના ઇન્ચાર્જ અને કર્મચારીઓને પોલીસ અધિક્ષક ડો રવિન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માર્ગદર્શન અપાયું હતું. ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવા માટે આપવામાં આવેલી સુચનાના અનુસંધાને સી-ટીમના નોડલ અધિકારી અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ અને પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સી-ટીમના સભ્યોને સિનિયર સિટિઝન, સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી હતી. ભાવનગર શહેર અને ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં શી ટીમની રચના કરવામાં આવી છે. કુલ ૨૫-સી-ટીમની રચના કરવામાં આવેલ છે. આ શી ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. અત્રેના જિલ્લામાં હજારો સિનિયર સિટિઝન નોંધાયેલા છે. જેમાં તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૯/૦૪/૨૦૨૩ દરમ્યાન જિલ્લા શી-ટીમના સભ્યો સિનિયર સિટિઝનના રહેણાક મકાને જઇ રૂબરુ સંપર્ક કરી તેઓને સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુચના પત્ર આપી અને સાયબર ક્રાઇમથી બચવા માટે પ્રાથમીક સમજ આપશે.
સાયબર ક્રાઇમના આટલા મુદાઓ પર વૃદ્ધોને સમજ અપાશે
સિનિયર સિટીજનોને શી ટીમ સમજ આપશે. જેમાં તમારી અંગત માહિતી તેમજ ફોટા/વિડીયો અજાણી વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો, સોશીયલ મિડીયા પર મિત્ર બની માહિતી કે રૂપીયાની માંગણી કરે તો આપશો નહિં, પોલીસ કે બેન્ક કર્મચારી બની અજાણી વ્યક્તિ ઓ.ટી.પી.ની માંગણી કરે તો ઓ.ટી.પી. આપવો નહિં. બેન્ક/ ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટ્યુટ / કોઇપણ અધિકૃત સંસ્થા ક્યારેય બેન્કની વિગતો જેવી કે પાસવર્ડ, કાર્ડ ડિટેલ્સ, સી.વી.વી., ઓ.ટી.પી. કે પીન નંબર માંગતી નથી, પાસવર્ડને સુરક્ષિત રાખો, સમયાંતરે બદલો, સોશીયલ મિડીયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કરવી નહિં, કોઇ કાર્ડ, સીમકાર્ડ વેલિડિટી, કેવાયસી રીન્યુ, બેન્ક ખાતુ ચાલુ/બંધ/એક્ટીવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો, ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગીફ્ટ જેવી લાલચમાં ખરાઇ કર્યા વગર અજાણી લીંક પર ક્લિક કરશો નહિં. આવી અજાણી લિન્ક ભુલથી ઓપન થઇ જાય તો બેન્કની વિગત કે પર્સનલ માહિતી દાખલ કરશો નહિં, જો સાયબર ક્રાઇમનો ભોગ બનો છો, તો તાત્કાલિક સાયબર હેલ્પ લાઇન નંબર 1930 પર કોલ કરવો, સાયબર ક્રાઇમની ફરિયાદ www.cybercrime.gov.in પર પણ કરી શકાશે. જે અંગે જાગૃતિ આપશે.