Bhavnagar
ભાવનગરની બસને રાજસ્થાનમાં અકસ્માતઃ એક જ ગામના ૧૧ કાળનો કોળીયો
કુવાડીયા – બરફવાળા
તળાજાના દિહોર ગામના યાત્રિકો પર રાજસ્થાનમાં ટ્રક ફરી વળ્યો : 11ના મોત, ઘરે ઘરે માતમ…ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો… વિખેરાયેલા મૃતદેહો… કપાયેલા અંગો… લોહીના ખાબોચીયા… ઇજાગ્રસ્તોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગાજી ઉઠયુ : જયપુર – આગરા હાઇવે ઉપર વહેલી સવારે સાઇડમાં ઉભેલી બસને ટ્રકે હડફેટે લેતા દુર્ઘટના : મૃતકો ૫ પુરૂષો અને ૬ મહિલા દિહોર ગામના : ૨૦ને ઇજા ; રાજસ્થાનના ભરતપુર પાસે આજે સવારે કરૂણ અકસ્માત : મથુરા જતા તળાજાના દિહોર ગામના પાંચ પુરૂષ-છ મહિલાના જીવ ગયા ; બસ રીપેર થવાની રાહ જોતા લોકોને ઉડાવી ટ્રક ચાલક ફરાર : 20 ઘાયલ : હાઇ-વે પર ટ્રાફિક જામ : અમુક ઇજાગ્રસ્તોની હાલત હજુ ગંભીર
ભાવનગર જિલ્લાના યાત્રાળુઓને ઉત્તરાખંડમાં તાજેતરમાં જ જીવલેણ અકસ્માત નડયા બાદ આજે રાજસ્થાનમાં મથુરા જતા યાત્રિકોને કરૂણ દુર્ઘટના નડી છે. રીપેર થતી બસ બહાર ઉભેલા 10 અને બસમાં બેઠેલા એક યાત્રિકને ધસમસતા ટ્રકે ઉડાવતા તમામના મોત થયા છે. સવારે હાઇ-વે પર ચીચીયારી ગાજી હતી. પાંચ પુરૂષ અને છ મહિલાના મૃત્યુની જાણ થતા તળાજા પંથકના પરિવારોમાં શોક છવાયો છે. મથુરા જતા આ પરિવારજનોને સીધું કાળનું તેડુ આવી ગયું હતું. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અહીં એક ટ્રકની અડેફેટે આવતા બસમાં સવાર ભાવનગર જિલ્લાના 11 લોકો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 20થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર આ બસ ગુજરાતના ભાવનગરથી ઉપડી હતી અને મથુરા તરફ જઈ રહી હતી. યાત્રીઓથી ભરેલી આ બસ ગુજરાતથી મથુરા જઈ રહી હતી ત્યારે જયપુર-આગરા હાઈવે પર નદબઈ પોલીસ સ્ટેશનની હદમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હન્તરા પુલ નજીક બસ બગડી હતી. ડ્રાઇવરે ત્યારે બસને ઊભી કરી દીધી હતી અને તેનું રિપેરિંગ કરી રહ્યો હતો. ત્યારે એકાએક આવેલા એક ટ્રકે બસને ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર 11 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અમુક લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. આ બસમાં સાથે રહેલા બાબુભાઇ જાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બસમાં 64 (57 મુસાફરો, ડ્રાઇવર કંડકટર અને રસોયા સાથે 7 લોકો) મુસાફર હતા તા. 1ર-9ના રાત્રે 9 વાગ્યાની આસપાસ પુષ્કરથી ગોકુળ-મથુરા જવા નીકળેલ હતા. આજે સવારે 4 કલાકે અત્રા, દહેરા મુંદી પાસે તાલુકો નદબઇ જિલ્લો ભરતપુર, રાજસ્થાનમાં આ બનાવ બન્યો હતો. બસની ડિઝલ પાઇપ ફાટતા બસ ઉભી હતી.
તે સમયે કેટલાક લોકો બસની પાછળ ઉભા હતા ટ્રક દ્વારા પાછળથી ટકકર મારતા બસની નીચે ઉભેલા 10 લોકો અને બસની અંદર પાછળની સીટમાં બેસેલ 1 વ્યકિત મળી કુલ 11 લોકોના મોત થયેલ છે અને 11 લોકો ઘાયલ થયેલ છે. ઇજાગ્રસ્ત વ્યકિતઓને 11 લોકોને આર.બી.એમ. હોસ્પિટલ ભરતપુર ખાતે દાખલ કરેલ છે. ઉપરોકત તમામ લોકો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી છે. આ બસ બગડી ગઇ હતી જેથી તેને રિપેર કરવા માટે રસ્તાની એક બાજુ ઉભી રાખવામાં આવી હતી. તે દરમિયાન જ ટ્રેલરે બસને ટક્કર મારીને 20થી 25 ફૂટ ઘસેડી હતી.
હંત્રા ગામ પાસે થયો અકસ્માત
આ બસના મુસાફરો મથુરા દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન જયપુર નેશનલ હાઇવે પર બસની ડિઝલ પાઇપ ફાટી ગઇ હતી. જેના કારણે બસ ખરાબ થઇ ગઇ હતી અને રસ્તામાં જ રોકીને રિપેર કરાવવામાં આવી હતી. બસની પાછળ ઉભેલા લોકો અને બસની પાછળની સીટ પર બેઠેલા મુસાફરોનાં 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ બસના અનેક મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
આ લોકો બસ રિપેર થતી હતી તેની સામેની બાજુ બેઠા હતા અને બસ બરાબર થઇ જાય તેની રાહ જોતા હતા. હાલ આ ગોઝારો અકસ્માત સર્જનાર ટ્રેલરનો ડ્રાઇવર ફરાર છે. પોલીસ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.
બ્રેકડાઉનના કારણે બસ રોડ કિનારે ઊભી હતી
પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતનાં ભાવનગરથી મથુરા જઈ રહી હતી. ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસ અચાનક પલટી ગઈ હતી. ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને એડજસ્ટ કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
મૃતકોના નામ
► અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
► નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
► લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
► ભરતભાઈ ભીખાભાઈ
► લાલજીભાઈ મનજીભાઈ
► અંબાબેન જીણાભાઈ
► કંબુબેન પોપટભાઈ
► રામુબેન ઉદાભાઈ
► મધુબેન અરવિંદભાઈ દાગી
► અંજુબેન થાપાભાઈ
► મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
ગુજરાત-રાજસ્થાનના મુખ્યમંત્રી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની શ્રધ્ધાંજલી
ભાવનગર જિલ્લાના 11 યાત્રિકોના અકસ્માતમાં મોત બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શોક વ્યકત કર્યો છે. મૃતકના પરિવારજનોને તેઓએ શોકસંદેશો આપ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બનાવને અત્યંત દુ:ખદ ગણાવી શોક વ્યકત કર્યો છે. સાથે જ જરૂરી વ્યવસ્થા પણ કરાવી છે. તો પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે પણ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજસ્થાન મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરતા શક્તિસિંહ ગોહિલ
રાજસ્થાન નજીક ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના તળાજા તાલુકાના દિહોરના 5 મહિલા અને 6 પુરુષો ના અવસાનના સમાચાર પ્રાપ્ત થતા દુ:ખની લાગણી અનુભવતા કોંગ્રેસના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અકસ્માત સંદર્ભે અને મૃતકોના પાર્થિવ દેવ તેમના વતન સુધી ઝડપથી પહોંચે અને ઘાયલોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે રાજસ્થાન સરકારના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે વાતચીત કરી હતી અને શક્તિસિંહે એ મૃતકોના આત્માને શાંતિ પ્રદાન થાય અને ઘાયલો ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.