Bhavnagar
ભાવનગરમાં બી.કોમ.નું પેપર કાકડીયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલે લીક કર્યાનો ધડાકો
કુવાડિયા
તાત્કાલીક અસરથી કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ: સંસ્થા અને ઈન્ચાર્જ આચાર્ય ગેલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવા પણ ભલામણ
ભાવનગર યુનિવર્સિટીના બહુચર્ચીત બી.કોમ સેમ – 6ના એકાઉન્ટના પેપર લીંક મામલે પોલીસ તપાસ બાદ પરિક્ષા સમિતીની આજે રજાના દિવસે પણ મળેલી તાકીદની બેઠકમાં જી.એલ કાકડીયા કોમર્સ કોલેજને પરિક્ષા કેન્દ્ર તરીકે તાત્કાલીક અસરથી રદ કરવા ઉપરાંત પરિક્ષા સમિતી દ્વારા કાકડીયા કોલેજની માન્યતા રદ કરવા સર્વોચ્ચસત્તા મંડળ સમક્ષ ભલામણ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શનિવારે યુનિવર્સિટીની બી.કોમ. સેમ-6ના એકાઉન્ટના લીક થયેલા પેપર મામલે પોલીસ તપાસમાં કાકાડીયા કોલેજમાંથી પેપર લીક થયુ હોવાનું અને ઇન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણી દ્વારા તેમના મોબાઇલમાં ફોટો પાડી વિદ્યાર્થીઓને આપાયુ હોવાનું ખુલ્યા બાદ પરિક્ષા સમિતી સમક્ષ રિપોટ આવ્યા બાદ આજે રજાના દિવસે પણ પરિક્ષા સમિતીની તાકીદની બેઠક મળી હતી.
જેમાં જવાબદાર એવા અમિત ગલાણી સામે પોલીસ ફરીયાદની કાર્યવાહી કરવા ઉપરાંત તેની શિક્ષક તરીકેની માન્યતા તાત્કાલીક અસરથી રદ કરવાનો નિર્ણય કરાયો છે. તેમજ કાકડીયા કોલેજને યુનિવર્સિટીના પરિક્ષા કેન્દ્રમાંથી પણ હટાવવામાં આવેલ આ ઉપરાંત કાકડીયા કોલેજની માન્યતા રદ કરવા સર્વોચ્ચ સત્તા મંડળ સમક્ષ પરિક્ષા સમિતી દ્વારા ભલામણ કરવામાં આવી છે. જ્યારે આ મમલે કેટલા વિદ્યાર્થીઓ અસર કરતા છે. તે અંગેની પોલીસ તપાસ બાદ પરિક્ષા રદ કરવી કે કેમ? તે અંગેનો નિર્ણય કરવામાં આવશે તેમ ઇન્ચાર્જ કુલપતિ ત્રિવેદીએ જણાવ્યું હતું. આમ પેપર લીક મામલે સમગ્ર શિક્ષણ આલમમાં ચર્ચા મચી જવા પામી છે.