National
અરુણાચલ પ્રદેશ: APPSC પેપર લીક મામલે ઇટાનગરમાં ભારે વિરોધ, કલમ 144 લાગુ
અરુણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના પેપર લીક કેસને લઈને રાજ્યમાં ભારે હોબાળો થયો છે. દરમિયાન ઇટાનગરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાકર્મીઓ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે મામલો એટલો ગંભીર બની ગયો હતો કે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. હાલ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો
પેપર લીકને લઈને રાજ્યના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને યુવાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન ઇટાનગરમાં પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આઈજી ચુકુ આપાએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી.
અથડામણમાં ચાર પોલીસકર્મી ઘાયલ
અથડામણ દરમિયાન ચાર પોલીસકર્મીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના પગલે ઇટાનગરમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આઈજીનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન પણ તે લોકોએ કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈતી હતી.
આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે
દેખાવકારોએ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અને નવનિયુક્ત સભ્યોની શપથવિધિ મોકૂફ રાખવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મધ્યરાત્રિથી રાજધાની ઇટાનગર વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે.