Bhavnagar
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ધડાકો ; સિહોર સહિત રાજ્યમાં અનેક લોકોએ ગેરરીતિથી નોકરી મેળવી? યુવરાજસિંહે આપ્યા પુરાવા
મિલન કુવાડિયા
માત્ર પેપર લીક નહીં, પરીક્ષામાં ડમીને બેસાડીને પાસ થવાનું કૌભાંડ ચાલે છે : યુવરાજનો વધુ એક ખુલાસો, શિક્ષણ જગતમાં ખળભળાટ ; ગુજરાતમાં લેવાયેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસ્યા હોવાનો આક્ષેપ, ડમી ઉમેદવારોએ 8થી 12 લાખ લીધાનો દાવો
શિક્ષણ જગત સાથે જ સંકળાયેલા એજન્ટો ડમી વિદ્યાર્થીઓને મદદ કરવામાં સંડોવાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા મોટા ધડાકા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાત સરકારની ઘણી પરીક્ષાઓ, બોર્ડની પરીક્ષાઓ સહિત ઘણી પરીક્ષાઓનો માહોલ છે ત્યારે યુવરાજસિંહે કરેલા આવા ગંભીર પ્રકારના ધડાકાઓને લઈને શિક્ષણ જગત પણ હચમચી જશે તે નક્કી છે. ગુજરાતમાં શિક્ષણ પરીક્ષાથી માંડીને સરકારી ભરતી પરીક્ષામાં પેપર લીકના સંખ્યાબંધ બનાવોથી ભીંસમાં રહેલી રાજય સરકારે હવે જુનીયર કલાર્કની આગામી પરીક્ષા માટે ફુલપ્રુફ પ્લાન બનાવવાની સાથોસાથ વિદ્યાર્થીઓને એસટી બસોમાં મફત મુસાફરીની વ્યવસ્થા પણ કરી દીધી છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હવે એવો ખુલાસો કર્યો છે કે માત્ર પેપરલીક જ નહીં, ગુજરાતમાં ડમી વ્યક્તિને બેસાડીને પરીક્ષા પાસ કરવાનું પણ કૌભાંડ ચાલે છે એટલું જ નહીં તેના આધારે સરકારી નોકરી પણ મેળવી લેવાય છે.
ભાવનગર યુનિવર્સિટીના પેપરલીકના પર્દાફાશ કરનારા યુવરાજસિંહે કહ્યું કે ભાવનગરના પ્રવાસ દરમ્યાન પરીક્ષાઓમાં ચાલતા કૌભાંડોના નવા કારનામાઓ જાણવા મળી રહ્યા છે જે અંતર્ગત પરીક્ષામાં ડમીને બેસાડીને પાસ થઈ જવાનું અને તેના આધારે સરકારી નોકરી મેળવી લેવામાં આવે છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આ ખુલાસાના હવે કેવા પ્રત્યાઘાતો પડે છે તેના પર મીટ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સિહોર અને તળાજા ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના રેકેટમાં બોર્ડ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે. આવા લોકો કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી છે. સુપરવાઈઝર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનારા તપાસ અધિકારીની બેદરકારી કે મીલીભગતથી જ આ શકય થઈ શકે છે. એટલે જે તે ભરતી બોર્ડના તપાસ અધિકારી ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે.