Ahmedabad
અમદાવાદ ટ્રેનનો ધોળા સ્ટેશનને સ્ટોપ ન અપાતા મુસાફરોમાં રોષ
પવાર
લેખિત રજૂઆતો છતાં તંત્રના બહેરા કાનને સમસ્યા સંભળાતી નથી, અમદાવાદ જવા-આવવા માટે ફરજીયાત બોટાદ પહોંચવું પડે, સમયનો થતો વેડફાટ
ધોળા રેલવે જંક્શનથી અમદાવાદ ટ્રેનનો સ્ટોપ છીનવી લેવામાં આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના કાળ પહેલા ધોળાને સ્ટોપ અપાયો હતો. પરંતુ બ્રોડગેજ લાઈન શરૂ થયા બાદ સાબરમતી ટ્રેનને અહીં હોલ્ટ ન આપવામાં આવતા લોકોને ફરજીયાત બોટાદ જવું પડે છે. જેના કારણે સમયનો વેડફાટ થાય છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાનને લોકોની સમસ્યા સંભળાતી ન હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. ધોળા (જં) રેલવે સ્ટેશન ખાતેથી ઉમરાળા, વલ્લભીપુર અને ગઢડા તાલુકાની જનતા ટ્રેન મુસાફરી કરે છે. ઉમરાળા તાલુકામાં ઘણાં પ્રસિધ્ધ યાત્રાધામો, ટીંબી હોસ્પિટલ વગેરે આવી છે. તેમ છતાં સાબરમતી-ભાવનગર ટ્રેનને અહીં સ્ટોપ આપવામાં આવ્યો નથી. અગાઉ ગાંધીગ્રામ ઈન્ટરસિટી ટ્રેન ધોળા ઉભી રહેતી હતી. જેનો આ વિસ્તારના વેપારીઓ, મુસાફરો મોટા પ્રમાણમાં લાભ લેતા હતા. પરંતુ હવે સાબરમતી ટ્રેનનો સ્ટોપ છીનવી લેવામાં આવતા લોકોને અમદાવાદ જવા માટે ભવાનગર-સુરેન્દ્રનગર ટ્રેનમાં પ્રથમ બોટાદ જવું પડે છે અને ત્યાંથી ભાવનગર-ગાંધીગ્રામવાળી સાબરમતી ટ્રેનમાં કનેક્શન લઈ અમદાવાદ પહોંચે છે. એવી જ રીતે અમદાવાદથી બોટાદ સુધી આવ્યા બાદ ધોળા માટે ટ્રેન બદલી પડતી હોવાથી સમયનો વેફડાટ થાય છે. આ ટ્રેનને સ્ટોપેજ આપવા ધોળા વેપારી મંડળ, આગેવાનોએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ભાવનગરના સાંસદને લેખિતમાં રજૂઆતો કરી છતાં કોઈ પગલા ભરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.