National
હંમેશા યાદ રહે એટલે જ લેન્ડરનું નામ વિક્રમ છે : વિક્રમ એટલે કોણ એક અમદાવાદી, એક ગુજરાતી
પરેશ દુધરેજીયા
ભારતે આજે ઈતિહાસ રચ્યો છે. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. આ ગર્વની ક્ષણે એ ના ભૂલો કે આ ઈતિહાસ રચવાની તક એ એક અમદાવાદી એક ગુજરાતીએ આપી છે. અવકાશ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને આપણે એક ગુજરાતી અને અમદાવાદી તરીકે યાદ કરવા જોઈએ. 12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય ‘અવકાશ-વિજ્ઞાનના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. જેમણે ભારતની આઝાદી બાદ એ વખતના અભાવો અને ગરીબપણા વચ્ચે આ દેશને સ્પેસ રિસર્ચ સેન્ટર સ્થાપવા સુચન કર્યું હતું. આજે ચંન્દ્રયાન પર ઉતર્યું એ લેન્ડરનું નામ પણ વિક્રમ છે. ઈસરોએ આજે અમદાવાદી વિક્રમભાઈ સારાભાઈના નામને અમર બનાવી દીધું છે. ભારતે વિક્રમ લેન્ડર ચંન્દ્ર પર ઉતારી વિક્રમ સારાભાઈના નામને બહુમાન અપાવ્યું છે. ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક ‘ગુજરાતી’ની મહેનત અને સૂઝ જવાબદાર છે. અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો. આજે વિક્રમ લેન્ડરે ચંન્દ્રયાન પર સોફ્ટ લેન્ડિંગ કરી એક ઈતિહાસ રચી દીધો છે. અગાઉ ઈસરોએ સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનને વિકાસ નામ આપી વિક્રમભાઈ સારાભાઈના યોગદાનને વધાવ્યું હતું.