Sihor
સિહોર શહેરમાં રક્ષાબંધન પૂર્વે રાખડીની બજાર ધમધમી – ખરીદીમાં ભીડ
દેવરાજ
ગત વર્ષ કરતા 15 થી 20 ટકાનો ભાવ વધારો, ગણતરીના દિવસો બાકી છતાં મંદ ગતિએ ખરીદી તહેવાર સમયે સારૂં વેચાણ થવાની વેપારીઓને આશા
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની ઉજવણીના પર્વ રક્ષાબંધનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સિહોરમાં ઠેર-ઠેર વિવિધ વેરાઈટીની રાખડીઓની બજાર ધમધમી ઉઠી છે. જો કે રો-મટિરિયલના ભાવોમાં મોંઘવારીની અસર વર્તાતા રાખડીના ભાવોમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. હાલ બજારમાં મંદ ગતિએ રાખડીની ખરીદી ચાલી રહી છે પરંતુ જેમ જેમ પર્વ નજીક આવશે તેમ તેમ ઘરાકીમાં તેજી વર્તાશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
આગામી તા.૩૦ ઓગષ્ટને બુધવારના રોજ શ્રાવણી પુનમ એટલે કે રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધન પર્વને લઈ સિહોરની બજારોમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં તેમજ દુકાનની બહાર ડેરા-તંબુ બાંધી વિવિધ પ્રકારની રાખડીઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે. જો કે પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં રાખડીઓની ખરીદી મંદ ગતિએ ચાલતા વેપારીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. બહારગામ વસતા ભાઈઓને રાખડીઓ સમયસર મળી રહે તે માટે બહેનોએ રાખડીઓ ખરીદી કરી પોસ્ટ તેમજ કુરીયર મારફતે મોકલવાનું શરૂ કર્યું છે. બજારોમાં ડાયમંડવાળી ફેન્સી રાખડી, રૂદ્રાક્ષ-ચંદન રાખડી, કલકત્તી રાખડી, અમેરીકન ડાયમંડવાળી રાખડી, રૂદ્રાક્ષ રાખડી તેમજ લૂમ્બા રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની સાથે સાથે બાળકો માટે લાઈટવાળી તેમજ કાર્ટુનવાળી રાખડીઓ જોવા મળી રહી છે. બાળકો માટે ઉપલબ્ધ કાર્ટુનવાળી રાખડીઓમાં લાઈટવાળી મ્યુઝીકલ રાખડી, બેલ્ટવાળી રાખડી, મોટુ-પતલુ, મીકી માઉસ, છોટા ભીમ, ડોરેમોન સહિતની વેરાઈટીઓની માંગ વધુ જોવા મળે છે.