Sihor
સિહોરના સણોસરા લોકભારતી ખાતે અભિનેત્રી ઉદ્ઘોષક દેવકીએ કર્યો સંવાદ
દેવરાજ
વ્યક્તિગત નિરાશામાંથી પણ સમાજની અપેક્ષા માટે આશાવાદી બનવું એ મારી વાત
સિહોર નજીક આવેલ લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ સંવાદ દરમિયાન અભિનેત્રી અને ઉદ્ઘોષક દેવકીએ ખૂબ મોકળાશ સાથે જણાવ્યું કે, વ્યક્તિગત નિરાશામાંથી પણ સમાજની અપેક્ષા માટે આશાવાદી બનવું એ મારી વાત. ‘અકૂપાર’ અને રેડિયો જોકી અંતર્ગત જાણિતા બનેલ આ દેવકીએ પોતાની અભ્યાસ, પારિવારિક અને કારકિર્દી સાથેની ખૂબ મજાની અને સહજ વાતો વિદ્યાર્થીઓ સાથે કરી. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે સંવાદ અંતર્ગત તેમણે કરેલી ગંભીર સામાજિક બાબતોને પણ ખડખડાટ હસતા હસતા વિદ્યાર્થીઓને સોંસરવી પહોંચાડી દીધી હતી અને કહી દીધું કે, વ્યક્તિગત નિરાશામાંથી પણ સમાજની અપેક્ષા માટે આશાવાદી બનવું એ મારી વાત છે. આપણું કોઈ દુઃખ એ સામેના શ્રોતા દર્શકોનું દુઃખ નથી, એ મંચ માટે સમજવું જરૂરી છે.
પ્રશ્નોત્તરી સંવાદમાં તેમના કારકિર્દી સંબંધી ઉત્તર આપતા કહ્યું કે, મારો અવાજ નહિ, પણ મૌલિકતા સફળતા અપાવી રહી છે. શું બોલવું? તેના કરતાં શું ન બોલવું તે વધુ જરૂરી હોય છે. દેવકીએ એમ પણ જણાવ્યું કે સફળતા કદાચ આળસ આપે છે, જ્યારે નિષ્ફળતા સતત પ્રયત્નશીલ રાખે છે. આપણે સતત પ્રયત્ન કરતા રહેવા પણ જણાવ્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સફળતા માટે અન્યનો આધાર નહિ, આત્મવિશ્વાસ જ જરૂરી છે. સંવાદ પ્રારંભે લોકભારતી વિશ્વવિદ્યાલયના વડા ભદ્રાયુ વછરાજાનીએ પરિચય આપતાં જણાવ્યું કે, માત્ર મનોરંજન નહિ પણ ત્યાંથી પ્રકૃતિ સુધીનું કાર્ય દેવકી કરી રહેલ છે. આ બેઠકના સંચાલનમાં ભૌતિકભાઈ લીંબાણી સાથે વિદ્યાર્થીઓ રહ્યા હતા.સંસ્થાના વડા અરુણભાઈ દવે, રામચંદ્રભાઈ પંચોલી, કાંતિભાઈ ગોઠી, રાજેન્દ્રભાઈ ચોટલિયા સહિત વિભાગીય વડાઓ અને કાર્યકર્તાઓ પણ અહી સામેલ રહ્યા હતા.