National
ત્રિપુરામાં શાહની સુરક્ષામાં મોટી ખામી, કાફલાની વચ્ચે ઘૂસી આવેલી સફેદ કારની તપાસમાં લાગી પોલીસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ત્રિપુરા મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. નવી રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે અગરતલા પહોંચ્યા હતા. અગરતલામાં સ્ટેટ ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે એક સફેદ રંગની કાર અચાનક તેમના કાફલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલી કારને પોલીસ કર્મચારીઓએ પહેલા અટકાવી હતી, પરંતુ કાર પૂરપાટ ઝડપે આગળ વધી હતી.
એનડીટીવીના અહેવાલ મુજબ, કાફલામાં સફેદ રંગની કારને પ્રવેશતા જોઈને અધિકારીઓ ચોંકી ગયા હતા. કાર કાફલામાં પ્રવેશી તે સમયે શાહનું વાહન આગળ નીકળી ગયું હતું પરંતુ બાકીના વાહનો પાછળ હતા. કારને કાફલામાં જતી જોઈને બાકીના વાહનો થોડીવાર માટે થંભી ગયા. ત્યાં સુધીમાં સફેદ રંગની કાર ઘણી આગળ નીકળી ગઈ હતી. કાર વિશે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી. આ કાર કોની હતી અને કોણ ચલાવતું હતું તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી.
ત્રિપુરામાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પૂર્વ રાજવી પ્રદ્યોત માણિક્ય દેબબર્માને પણ મળ્યા હતા અને ગઠબંધન અંગે ચર્ચા કરી હતી. આ પછી તેમણે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા સાથે પણ મુલાકાત કરી હતી. માણિક સાહા બીજી વખત ત્રિપુરાના સીએમ બન્યા છે. ઘટના અંગે ત્રિપુરા પોલીસે કહ્યું છે કે તે તેની તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ગત મુંબઈ પોલીસે 32 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો અંગત સહાયક ગણાવ્યો હતો અને તે અમિત શાહને મળવા જઈ રહ્યો હતો. શાહ તે સમયે મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હતા.
જ્યારે પોલીસે તે વ્યક્તિની પૂછપરછ કરી તો તેનું રહસ્ય ખુલ્યું. આ વ્યક્તિ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર પણ જોવા મળ્યો હતો. ત્યાં આ વ્યક્તિએ પોતાનો પરિચય ગૃહ મંત્રાલયના સભ્ય તરીકે આપ્યો હતો.