Gujarat
સીધા જ મુખ્યમંત્રીને કરી શકાશે ફરિયાદ ; જાહેર કરવામાં આવ્યો વૉટ્સએપ નંબર
મિલન કુવાડિયા
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ બીજી વખત સત્તારૂઠ થયા છે. ત્યારે તેમણે પ્રજાની ફરિયાદ, અરજી સહિતની રજૂઆતો માટે મુખ્યમંત્રી કાર્યાલયનો વૉટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ વૉટ્સએપ નંબર પર લોકો પોતાની રજૂઆતો અને ફરિયાદો કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રજાની મુશ્કેલીઓ અને પ્રશ્નો તેમજ ફરિયાદોના નિકાલ માટે એક વૉટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ વૉટ્સએપ નંબર સીધો મુખ્યમંત્રી કાર્યાલયનો હશે જેમાં થયેલી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલયને મળશે. જેમાં અરજદારને વૉ્ટસએપ નંબર 7030930344 પર ફરિયાદ કે અરજી કર્યા બાદ એક ઑટો જનરેટ મેસેજ મળશે. આમ મુખ્યમંત્રી કાર્યાલય પર પોતાના પ્રશ્નોની ફરિયાદ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે તેમ માનવામાં આવે છે.
મહત્વની વાત છે કે, ભૂપેન્દ્રભાઈ પટેલ અવાર-નવાર કોઈ ગામડાંની ઓચિંતી મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સમજતા જોવા મળે છે. ત્યારે પ્રશ્નો અને ફરિયાદો તેમના કાર્યાલય સુધી પહોંચાડવા પ્રજાને સરળતા રહે માટે વધુ એક પગલું લેવામાં આવ્યું છે.
ત્યારે વૉટ્સએપ નંબરના માધ્યમથી થતી ફરિયાદોના નિરાકરણ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું. કારણ કે, મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચતી અનેક ફરિયાદોના નિરાકરણ માટે પ્રજા રાહ જોઈને બેઠી છે. જેથી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે, ફરિયાદ કરવાનું સહેલું કરતા સાથે જ તે ફરિયાદનું નિરાકરણ પણ તાત્કાલીક મળે તે બાબત મહત્વની છે.