Gujarat
બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રત્નકલાકારે જીવન ટૂંકાવ્યુ, 4 વિરુદ્ધ ફરિયાદ

વ્યાજના વિષચક્રમાં અનેક માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. અનેક લોકો વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી રહ્યાં છે, ત્યારે બોટાદમાંથી આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના રત્ન કલાકારે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતુ. આ મામલે મૃતકની પત્નીએ મહિલા સહિત 4 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના ગઢડા રોડ પર આવેલી રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અશોક નાનજીભાઈ રાઠોડ (40) નામના રત્નકલાકારે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ટોર્ચરને કારણે ગઈકાલે ઝેર પી લીધુ હતુ. જે બાદ તેમને તાત્કાલીક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 24 કલાકની સારવારના અંતે અશોકભાઈનું મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અશોકભાઈએ વ્યાજનો ધંધો કરનારા દક્ષાબેન રબારી પાસેથી 70 હજાર રૂપિયા 100 ટકાના વ્યાજે લીધા હતા. જેની 1 લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. જ્યારે જીતુ રાજપૂત પાસેથી 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 40 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. આ ઉપરાંત ગોવિંદભાઈ ડાંગર પાસેથી 10 ટકાના વ્યાજે 10 હજાર લીધા હતા, જેની સામે 20 હજાર રૂપિયા ભર્યા હતા. તેમજ ટીનાભાઈ બોળીયા પાસેથી 30 હજાર રૂપિયા 3 ટકાના વ્યાજે લઈને તેની સામે 84 હજા રૂપિયા ચૂકવ્યા હોવા છતાં આ તમામ શખ્સો અશોકભાઈને અવારનવાર ધાકધમકી આપીને વધારે રૂપિયાની ઉઘરાણી કરતા હતા.
પોતે લીધેલા રૂપિયાની સામે વધારે વ્યાજ ચૂકવ્યું હોવા છતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હતો. વ્યાજખોરો અશોકભાઈના ઘરે આવીને વ્યાજ માટે ધાકધમકી આપતા હતા. જેનાથી કંટાળીને તેમણે ઝેરી દવા ગટગટાવી હતી.