Food
બંગાળી મીઠાઇને ટક્કર મારે છે બનાસકાંઠાનો દિલબહાર માવો, વિદેશોમાં પણ થાય છે એક્સપોર્ટ

દિવાળી આવે ત્યારે અવનવી મીઠાઈનો સ્વાદ જરૂરથી યાદ આવે છે.ત્યારે બનાસકાંઠાના ડીસા પંથકમાં એક વેપારીએ વર્ષોની પરંપરાગત મીઠાઈ દૂધના માવાનો એવો સ્વાદ લોકોને ચખાડ્યો અને તે માવાને દિલબહાર નામ આપ્યું તે આજે પણ ડીસા પંથકમાં કોઈ માવો શબ્દ બોલતું નથી અને દૂધનો માવો દિલબહાર તરીકે જ ઓળખાય છે.ડીસાનો માવો એટલે કે દિલબહારની દેશ વિદેશમાં પણ સપ્લાય થાય છે.
દૂધનો માવો એ કંઈ આજકાલની નવી મીઠાઈ નથી વર્ષો અગાઉ જ્યારે પશુપલકોના ઘરે દૂધ વેચાયા વગર પડ્યું રહેતું ત્યારે લોકો ઘરે જાતે દૂધ બાળીને માવો બનાવી દેતા.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષ 1967 માં માનુમલ રૂપચંદ વારડે નામના સાહસિક વેપારીએ ડીસાના મેન બજારમાં સરસ્વતી રેસ્ટોરન્ટ ખોલી અને સૌ પ્રથમવાર દૂધનો માવો બનાવીને તેનું વેચાણ કરવાનું ચાલુ કર્યું.તેમણે પોતાની આવડત અને સૂઝબૂઝથી માવાનો એવો સ્વાદ બનાવ્યો અને તેનું નામ દિલ બહાર આપ્યું ત્યારથી લઈને અત્યાર સુધી ડીસા નો માવો દિલબહાર ના નામથી ઓળખાય છે.અને દૂર દૂરથી લોકો દિલબહાર લેવા આવે છે.
ડીસાના દિલબહાર માવાની દેશ વિદેશમાં માંગ..
બનાસકાંઠાના ડીસામાં આજે મનુમલ રૂપચંદ દાદાએ શરૂ કરેલી સરસ્વતી રેસ્ટોરન્ટ તેમની ત્રીજી પેઢીના દીપકભાઈ ઈશ્વરભાઈ વારડે સહિતના ભાઈઓ ચલાવી રહ્યા છે. દીપકભાઈ વારડેએ જણાવ્યા હતું કે દિલબહાર માવો એ ડીસાનું બ્રાન્ડ નામ પડી ગયું છે.આમ દુધનો માવો એટલે કે દિલબહાર લોકો ઘરે પણ બનાવી શકે છે. પરંતુ અમારો વર્ષોનો અનુભવ અને તેની બનાવવાની પદ્ધતિના કારણે આ દિલબહાર એટલું લોકપ્રિય બન્યો છે.કે આજે ડીસા સહિત અમદાવાદ, સુરત, મુંબઈ, ઓસ્ટ્રેલિયા,કેનેડા અમેરિકા,દુબઇમાં પણ સપ્લાય કરવામાં આવે છે.
દિલ બહાર બનાવવામાં માત્ર દૂધ અને ખાંડ વપરાય છે.અન્ય કંઈ પણ પ્રકારની ચીજ વસ્તુ વાપરવામાં આવતી નથી પરંતુ દૂધને કયા ટેમ્પરેચર ઉપર શેકવું, કઈ રીતે સ્ટોર કરવું, કેટલી ખાંડ નાખવી તે અમારી વર્ષોની પરંપરા અને અનુભવના આધારે બને છે. જેથી તેનો એકધારો સ્વાદ જળવાઈ રહે છે. અમારા દાદા એ વર્ષ 1967માં દિલ બહાર બનાવ્યો ત્યારે માત્ર 10 રૂપિયા કિલ્લો હતો.આજે 55 વર્ષ પછી દિલબહાર માવો 500 રૂપિયા કિલ્લો વેચાય છે.
દૂધનો માવો કોઈપણ જગ્યાએ સરળતાથી મળતી મીઠાઈ છે. પરંતુ ડીસામાં તમે ક્યાંય પણ માવો માંગવા જાવો તો વેપારી પણ ઘણી અચંબા ભરી નજરથી તમારી સામે જોશે પરંતુ તમે દિલબહાર માંગશો તો તરત જ તમને દૂધનો માવો પેકિંગ કરીને આપી દેશે. આવી માત્ર ડીસાના એક વેપારીની સુઝના કારણે દૂધના માવાનું નામ દિલબહાર પડી ગયું છે જે એક બ્રાન્ડ નેમ બની ગયું છે.