Sihor
9 વર્ષમાં 13 પેપર ફૂટ્યા: આજે લાખો ઉમેદવારોના સપના ચપનાચૂર થયા છે, દર વખતે સરકારના દાખલા બેસાડવાના દાવા
કુવાડિયા
ભૂતકાળમાં ફૂટેલા પેપરોમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી, 10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતુ.
રાજ્યમાં વધુ એક વખત પેપર ફૂટતા જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 9.53 લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું. સરકાર દર વખતે દાખલો બેસાડે તેવી તપાસના દાવા કરે છે, પણ તેમ છતાં કોઈ અસર થતી નથી અને ફરીથી પેપર લીક થઈ જાય છે. આ પહેલી વખત પેપર ફૂટ્યું નથી. વર્ષ 2014માં GPSCના ચીફ ઓફિસરથી લઈ તલાટી, ટેટ અને હેડ ક્લાર્ક સહિતની પરીક્ષાઓના મળી 13 પેપર લીક થયા છે. આજે ફરી પેપર ફૂટતા વિદ્યાર્થીઓને માત્ર નિરાશા જ હાથ લાગી છે. ભૂતકાળમાં ફૂટેલા પેપરોમાંથી સરકારે કોઈ બોધપાઠ લીધો નથી.
પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. ગુજરાતમાં આ પહેલા 12 વખત પેપર લીક થઈ ચુક્યા છે અને આ 13મી વખત પેપર લીક થયું. 10 મહિના પહેલા જ લેવાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું હતું. હાઇસ્કૂલના શિક્ષકે તેના ગામના જ 3 પરીક્ષાર્થીઓને પાસ કરાવવા ઘડેલું ષડયંત્ર હોવાનો ખૂલાસો પોલીસ તપાસમાં થયો હતો. કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 12 ડિસેમ્બર-2021ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું.
તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઘટનાના પ્રથમ દિવસથી જ તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 2021માં જ સરકારી ભરતીની પરીક્ષામાં ત્રણ પેપર ફૂટ્યા હતા. જેમાં જુલાઈ માસમાં લેવાયેલી DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાના પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું.
આ બાદ ઓક્ટોબરમાં ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી સબ-ઓડિટરની પરીક્ષામાં યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક થયું હોવાના આક્ષેપો કર્યાં હતા. જ્યારે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ સરકારે જ પેપર લીક થયું હોવાનું સ્વીકાર્યું હતું અને પરીક્ષા રદ કરી હતી. આ પહેલા વર્ષ 2018માં LRDની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર લીક થવાની ઘટના બની હતી. જેમાં દિલ્હીની ગેંગે કર્ણાટકના સાગરિતોની મદદથી ઉડુપીની પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપરની લીક થઈ ગયું હતું. તે વખતે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય હતા. આ બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન તરીકે હસમુખ પટેલને મૂકવામાં આવ્યા હતા.