Gujarat
દર્શન માટે પણ ચાર્જ ચૂકવવો પડે ! ડાકોરમાં VIP દર્શન માટે ભક્તોએ રૂપિયા 500 ચૂકવવા પડશે
કુવાડીયા
હવેથી ડાકોરમાં કાળિયા ઠાકરના VIP દર્શન કરવા ચૂકવવો પડશે ચાર્જ, ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ચૂકવવા પડશે પૈસા, ભગવાનના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે, ખેડા ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા વિવાદીત નિર્ણય લેવાયો
પેટ્રોલ ભરાવવા પૈસા ચૂકવવા પડે તે સ્વાભાવિક કહી શકાય. પોતાની જરૂરિયાત માટે ચૂકવવા પડતાં પૈસા માટે કોઈ દલીલ ન કરી શકાય, પણ જ્યારે ભગવાનના દર્શન કરવા માગતા ભક્તે દર્શન કરવા પૈસા ચૂકવવા પડે તે વિચિત્ર કહી શકાય તેવી બાબત છે. દર્શનમાં VIP દર્શન કેવી રીતે હોઈ શકે? દર્શન ભાવિકોની શ્રદ્ધાનો વિષય છે, ત્યારે ડાકોરમાં રણછોડરાયના VIP દર્શન કરવા ભક્તો પાસેથી રૂપિયા 500 વસૂલવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતનાં જાણીતા યાત્રાધામ ડાકોરના રણછોડરાયના મંદિરમાં ઠાકોરના VIP દર્શન માટે ભક્તોએ રૂપિયા 500 ચૂકવવા પડશે, તેવો વિવાદિત નિર્ણય મંદિરની કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. નજીકથી ભગવાનના દર્શન કરવા ભક્તોએ પૈસા ચૂકવવા પડશે. જેમાં ભક્તો નજીકથી મંદિરના ઉંબરે જઈ ઠાકોરના દર્શન કરી શકશે. તેમજ હવેથી પુરૂષો પણ મહિલાઓની લાઈનમાં ઊભા રહીને પણ ભગવાનના દર્શન કરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસથી કમિટીને VIP દર્શન માટેની આવક શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 7 ભક્તોએ VIP દર્શન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જે યાત્રાધામો સાથે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે, દરરોજ હજારો લોકો આ યાત્રાધામોમાં દર્શન કરવા આવતા હોય છે. તે હવે કમિટી માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે, એટલે કે એક વ્યક્તિની શ્રદ્ધા મંદિર માટે કમાવવાનું સાધન બની જાય છે. તેમાં પણ માત્ર પૈસાદાર વ્યક્તિ જ ભગવાનના નજીકથી અને ઝડપથી દર્શન કરી શકે છે, ગરીબને તો દૂરથી અને લાઇનમાં ઊભા રહીને જ દર્શન કરવાના હોય છે. એના પરથી એવું પણ કહી શકાય કે ભગવાન પણ પોતાના ભક્તોમાં અમીર અને ગરીબનો ફર્ક કરે છે અને જો એવું ન હોય તો મંદિરના કમિટીના સભ્યો તો આ ભેદ કરે જ છે.