Gujarat
તબાહીનું તાંડવ : બિહામણા દ્રશ્યો : પારાવાર નુકસાની
પવાર
બેના મોત : ૨૩ને ઇજા : ૧૦૦૦ ગામોમાં અંધારપટ : ૧૫૦૦ વૃક્ષો જમીનદોસ્ત : ૫૧૦૦ જેટલા વીજ પોલ ધરાશાયી : ગુજરાતે નિહાળ્યું ‘બિપરજોય’નું રૌદ્ર સ્વરૂપ : વાવાઝોડાને કારણે ૧૨૦થી ૧૩૦ કિમીની ઝડપે પવન ફુંકાતા તબાહી મચી : વાવાઝોડુ નબળુ પડી સાયકલોનિક સ્ટોર્મમાં પરિવર્તીતઃ ભારે પવન સાથે ઠેરઠેર વરસાદઃ વાવાઝોડુ માંડવી – કરાંચી વચ્ચે લેન્ડફોલ થયું : સરકારના આગોતરા આયોજનને કારણે જાનહાનિ ઓછી
ગઇકાલે સાંજથી શરૂ થયેલી વાવાઝોડાની પ્રક્રિયા આખી રાત સુધી ચાલુ રહી હતી. ગુજરાતના કાંઠે વાવાઝોડા બિપરજોય ટકરાયા બાદ ૧૨૦ – ૧૩૦ કિમીની ઝડપે પવન યુંકાયો હતો અને ભારે વરસાદ પડતાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છમાં વિનાશલીલા જોવા મળી છે. રાતભર ઝંઝાવાતી પવન ફુંકાતા ૧૦૦૦ ગામોમાં વિજળી ગુલ થઇ જતાં અંધારપટ છવાયો છે. ૫૧૦૦ થાંભલા પડી જતાં વિજળી વેરણ બની હહતી. ૧૫૦૦થી વધુ વૃક્ષો પડી ગયા છે. રાજ્યમાં ભાવનગર પંથકમાં લોકોના મોત થયા છે અને વિવિધ ઘટનાઓમાં ૨૩ને ઇજા થઇ છે. હવે વાવાઝોડું નબળુ પડયું છે અને તે સાયકલોનિક સ્ટોર્મમાં પરિવર્તીત થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગાંધીધામમાં ૮ ઇંચ વરસાદ પડયાના અહેવાલ છે. વાવાઝોડુ નબળુ પડી રાજસ્થાન તરફ જતાં ત્યાં ભારે વરસાદ પડવાના સંજોગો છે. ગુજરાતમાં વાવાઝોડાને કારણે ભારે તબાહી થઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. સરકારે પહેલેથી તૈયારી રાખી હોવાથી નુકસાન ઓછું થયું છે. સરકારે રાતથી જ રાહત – ઉગાર કાર્ય ચાલુ કર્યું છે.
રાજ્યમાં ૨૩ જાનવરોના મોત થયા છે. વડાપ્રધાન મોદીએ સીએમ સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબી, કચ્છ, દ્વારકા પંથકમાં વધુ નુકસાન થયું છે. અરબી સમુદ્રમાંથી ઉછળેલા ચક્રવાત બિપરજોયએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. ચક્રવાત ગઇકાલે સાંજે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. આ પછી રાજયમાં ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. રાજયમાં પણ ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા, ઈલેક્ટ્રીક થાંભલા તૂટવાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. દરિયાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજયમાં પૂર અને વરસાદને લગતી ઘટનાઓમાં ૨ લોકોના મોતના સમાચાર છે. જયારે ૨૨ લોકો ઘાયલ થયા છે. રાત્રે આવેલા ભયંકર ચક્રવાતી વાવાઝોડા બિપરજોયએ તબાહીનો ઊંડો રસ્તો પાછળ છોડી દીધો છે. વાવાઝોડા બાદ ગઇ સાંજે રાજયના દરિયાકાંઠાના વિસ્તારોના ગામડાઓમાં તબાહી સર્જાઈ હતી. અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદ હજુ પણ ચાલુ છે. વાવાઝોડાને કારણે હજારો વૃક્ષો અને સેંકડો વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે લગભગ ૧૦૦૦ ગામો અંધારામાં ડૂબી ગયા હતા.