Sihor
વિશ્વ સર્પ દિવસ ; આ સાપ નથી, મારો મિત્ર છે ; આમ તો સાપને જોઈ લોકોના પરસેવા છૂટી જાય પણ એને સિહોરનો અજય રમકડાની જેમ પકડી લે છે

બુધેલીયા
અત્યાર સુધીમાં અસંખ્ય સાપ, નાગ, અજગરનું રેસ્ક્યુ અજયે કર્યું છે, અજય છેલ્લા 9 વર્ષથી આ કાર્ય કરે છે
ઘર હોય, દુકાન હોય કે કારખાનાં… જો ક્યાંય સાપ કે નાગ દેખાય તો મરદ મૂછાળાને પણ ઘડીભર તો પરસેવો વળી જતો હોય છે, ત્યારે સિહોરના યુવાનને ભગવાને કંઇક અલગ રીતે ધડયો છે.
એનામાં એવી પ્રતિભા આપી છે કે લોકો જાણીને દંગ રહી જાય છે, સિહોરના અજય બાંભળીયા સાપ કે અજગરને એવી રીતે પકડીને પોતાના હાથમાં રમાડે છે, જાણે તે અસલી નહીં નકલી હોય. અજય માત્ર 15 વર્ષની ઉંમરથી જ નાગ પકડી શકે છે અને રમકડાની જેમ રમાડી શકે છે.
અજયને પશુ, પક્ષી અને પ્રાણી પ્રત્યે અલગ જ લાગણી અને પ્રેમ છે, ખાસ કરીને સાપ સાથે તો વિશેષ પ્રેમ છે. નાનપણથી જ સાપ સાથે રમવું અને કોઈ રહેણાક વિસ્તારમાં જો સાપ કે નાગ દેખાય તો આરામથી રેસ્ક્યૂ કરીને એને કુદરતના ખોળે છોડી દેવામાં તેના મહારથ છે.
અજયે શંખનાદ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દુનિયામાં 4 હજાર સાપની પ્રજાતિ છે, જેમાંથી ભારતમાં 300 પ્રજાતિ છે અને એમાં પણ ગુજરાતમાં 56 પ્રજાતિ ઝેરી અને બિનઝેરી સાપ છે, જેમાં ઝેરી સાપ કોબ્રા, ક્રેટ, વાઈપર, ઓસસ્કેલ વાઈપર, જ્યારે બિનઝેરી આંધળીચાકર, રૂપસુંદરી, ધામણ, કોમનકુકરી, વુલ્ફસ્નેક વગેરે છે.