Sihor
વાવાઝોડાનાં પગલે સિહોર પંથકમાં બીજા દિવસે પણ હવામાન પલ્ટો – ઠેર-ઠેર હળવો વરસાદ
પવાર
શહેરના તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા : ગ્રામ્ય વિસ્તારમાં પણ એલર્ટ: તમામ સરકારી કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના
બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે તેની અસર રૂપે સિહોર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં વાવાઝોડાને પગલે હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. બિપરજોય વાવાઝોડું તા.14-15 આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. ત્યારે આ વાવાઝોડાની અસર રૂપે આજના બીજા દિવસે પંથકમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી ઝાપટા પડયા હતા.બે થી ત્રણ વખત જોરદાર વરસાદી ઝાપટુ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના વિવિધ પગલાઓ લઇ તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. વાવાઝોડાનાં જોખમને ધ્યાને રાખી કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વીજ પુરવઠો ખોરવાય નહીં, ઝડપથી કાર્યરત થાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ, આયોજન કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ, સેન્ટરમાં જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તેમજ મેડિકલ/પેરા મેડિકલ સ્ટાફ હોસ્પિટલ ખાતે સતત સ્ટાફ હાજર રહે તે માટે જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વરસાદી પાણી ભરાવાથી અસર પામતા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની સંભવિત યાદી તૈયાર કરાઇ રહી છે અને વરસાદી પાણીના નિકાલ માટે આગોતરૂ આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. તાલુકા કક્ષાએ તેમજ શહેરી કક્ષાએ તરવૈયાઓ, રાહતકાર્ય માટે એન.જી.ઓ.ની યાદી અપડેટ કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન ગામના તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીને રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભારે પવનનાં પગલે વૃક્ષો ધરાશાયી થવાનાં કિસ્સામાં રોડ પરનો અવરોધ સત્વરે દુર કરવા જરૂરી સ્ટાફ, ક્રેઇન અને અન્ય સાધનો ઉપલબ્ધ રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.