Gujarat
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ગુજરાતમાં ‘પઠાન’ની રીલીઝ માટે તૈયાર પણ શરતો મુકી
દેવરાજ
- જો સંતો હા પાડશે અને ફિલ્મમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર કરાયા હશે તો ફિલ્મ રીલીઝ થવા દઈશું: વિ.હિ.પ. ફિલ્મની રિલીઝના દિવસે મલ્ટીપ્લેકસ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
શાહરૂખખાન અને દિપિકા પાદુકોણ સ્ટારર યશરાજ ફિલ્મસની ‘પઠાન’ તેના બેશર્મ રંગ ગીતમાં દિપિકાએ પહેરેલી ભગવા રંગની બીકીનીના કારણે વિવાદમાં સપડાઈ હતી. આ ફિલ્મની રીલીઝ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે ગુજરાતમાં ફીલ્મની રીલીઝને અટકાવવાની ધમકી આપી હતી. જેને લઈને મલ્ટીપ્લેકસ એસોસીએશને ફીલ્મ તા.25 જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે.
ત્યારે સુરક્ષાની માંગણી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી હતી. હવે આ મામલે વિહીપ અને બજરંગદળે જણાવ્યું છે કે જો સંતો હા પાડશે અને ફિલ્મમાંથી આપતીજનક દ્રશ્યો દુર થયા છે કે નહીં તે જોયા બાદ ફિલ્મને રીલીઝ કરવા દઈશું બીજી બાજુ પોલીસે પણ ફીલ્મની રીલીઝ વખતે થીયેટરો અને મલ્ટી પ્લેકસમાં કોઈ વિવાદ ન થાય તે માટે ચાંપતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું હતું કે કેટલાંક સંતો વીએચપી ઓફીસનાં પદાધિકારીઓ અને બજરંગદળના આગેવાનો માટે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સ્ક્રીનીંગ રાખવામાં આવી શકે છે. જો ફિલ્મમાં આપતીજનક દ્રશ્યો હશે તો અમે ફિલ્મ રીલીઝ નહીં થવા દઈએ. બીજી બાજુ ફિલ્મ 25મી જાન્યુઆરીએ રીલીઝ થઈ રહી છે. ત્યારે ગુજરાત પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ મલ્ટી પ્લેકસ અને થિયેટરોની બહાર બંદોબસ્ત રાખવાનો આદેશ અપાયો છે જો કોઈ તોફાની તત્વો સમસ્યા ઉભી કરશે તો તેની સામે પોલીસ કડક પગલા લેશે અને જરૂર પડે તો સલામતી અને સુરક્ષા માટે ધરપકડ પણ કરાશે તેમ રાજયના ડીજીપી આષીષ ભાટીયાએ જણાવ્યું હતું.