Bhavnagar
અણઉકેલ પ્રશ્નોથી ભાવનગર માછીમારીના ઉદ્યોગને પરેશાની
કુવાડિયા
ઝીંગા બચ્ચા ઉછેર કેન્દ્ર, વીજળી, ખાડીમાં છોડાતા કેમિકલ સહિતના વિવિધ પ્રશ્નોને લઈ પરેશાની, પરસોત્તમભાઈ સોલંકીને રજૂઆત
ભાવનગર જિલ્લાને વિશાળ સમુદ્રકાંઠો મળેલો હોવાથી અહીં માછીમારીનો વ્યવસાય છે ધમધમે છે. દરિયાકાંઠાના ગામડાના લોકો માછીમારી કરીને પોતાના પરિવારોનું ગુજરાન ચલાવે છે, પરંતુ ઝીંગા બચ્ચા ઉછેર કેન્દ્ર, વીજળીની સમસ્યા, સમુદ્રમાં છોડાતા કેમિકલ,કાયમી અધિકારીની જરૂરિયાત, વાવાઝોડા જેવી આપત્તિમાં સહાય જેવા અનેક પ્રશ્નોને કારણે તેમના વ્યવસાયને ભારે મોટું નુકસાન થઈ રહ્યું છે. ઝીંગા ઉછેર કરતા ખેડુતોને PGVCL દ્વારા હાલ કોમર્શિયલ યુનિટ રેટથી વીજળી અપાય છે, જે અન્ય રાજ્યમાં જેવા કે આંધ્ર,તેલંગાણા,આસામમાં ખેતીના દરે મળે છે,તો આ દરમાં ફેરફાર થવો જોઈએ. ; ભાવનગરનો દરિયાઈ વિસ્તાર મોટો હોવા છતાં હાલ ઘણા સમયથી કાયમી ઉપરી અધિકારી નથી.ચાર્જમાં હોવાથી સમયે કામ થતા નથી તેમજ માછીમારોને પોતાની રોજી પાડી ધક્કા રહે છે.
કાયમી અધિકારી મુકાવવા જોઈએ. ; ખાડીકાંઠા તેમજ માછીમારીને લાયક જગ્યા હાલ થોડા વર્ષોથી મીઠા ઉદ્યોગને ફાળવવાનું મોટું કારસ્તાન ચાલી રહ્યું છે.તે અટકાવી નાના માછીમારોને થોડી થોડી જગ્યા આપી માછીમારોને પ્રોત્સાહન આપવાથી ગામથી હિજરત કરી રહેલા લોકોને ત્યાં જ લોકલ આજીવિકા મળી રહશે.આ બાબત ગંભીર રીતે વિચારી માસ્ટરમેપિંગ કરી ઝીંગાફાર્મને જગ્યા આપી શકાય. ; જિલ્લામાં અગાઉ વાવાઝોડાની સરકારી સહાય માટે સર્વે થયેલ પણ આજદિન સુધી કોઈ પણ જાતની સહાય મળી નથી.તેમજ સરકારની PMMYS અંતર્ગત પણ હજી સુધી કોઈ ઝીંગા ફાર્મરને સહાય મળેલ નથી.તો તે બાબતે આ યોજના તળે સહાય મળે તે જરૂરી છે. ; માસ્ટર મેપિંગવાળી જગ્યા પર આજ દિન સુધી રોડ,રસ્તા કે મજુરો માટે પીવાના પાણીની વ્યવસ્થા થયેલ નથી.તેમજ જિલ્લાભરમાં એક પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી. જેના કારણે ઝીંગા ઉછેર કરતા ખેડુતોને કોઈ પણ ભાવે તેનો માલ વેચવો પડે છે અને નુકસાન ભોગવવું પડે છે. જિલ્લામાં એક પણ હેચરી (ઝીંગાના બચ્ચાં ઉછેર કેન્દ્ર) પણ નથી. જેથી હાલાકી ભોગવવી પડે છે.
મત્સ્ય ઉદ્યોગ મંત્રી સોલંકીને રજૂઆત
રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ભાવનગર જિલ્લાનું જ પ્રતિનિધિત્વ કરતા હોય તેમની પાસેથી આ પ્રશ્નોના નિરાકરણની અપેક્ષા છે. તે માટે તેમને રજૂઆત કરવામાં આવી છે. પુરુષોત્તમભાઈનો મત વિસ્તાર સમુદ્ર કાંઠાના ગામડાઓને આવરી લેતો હોવાથી માછીમારીના પ્રશ્નોથી તેઓને વાકેફ કરવામાં આવ્યા છે.