Gujarat
પૂ. મોરારીબાપુના વ્યાસાસને જુદા-જુદા ૧૨ જ્યોર્તિલિંગમાં શ્રીરામ કથાનું અભૂતપૂર્વ આયોજન

Kuvadiya
૮ હજાર કિ.મી.ની કથા યાત્રાનો શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વિરામ થશે : ૧૮ દિવસ ટ્રેન યાત્રા સાથે રામકથાનું ગાન : ૨૨મી જુલાઇથી પ્રારંભ : સ્પેશ્યલ ટ્રેન મારફત ભાવિકોને બારેય જ્યોર્તિલિંગના સાનિધ્યમાં દરરોજ કથા શ્રવણનો લાભ મળશે
મોરારિબાપુ રામનામને હવા,પાણી અને પૃથ્વીના સમગ્ર પટલ પર રેલાવી રહ્યાં છે. તેમાં કેટલીક અતિ દુર્લભ કહી શકાય તેવી ઘટનાઓ પણ આકારીત થતી રહી છે. આગામી ૨૨મી જુલાઈથી શરૂ થનારી જયોતિર્લિંગ રામકથા તેનો જ એક ભાગ બની રહેવાની છે. પૂ. બાપુએ આકાશ, સમુદ્ર અને સમગ્ર જગતના કોઈ ખૂણામાં રામકથાની ચોપાઈઓ ન સંભળાવી હોય તેવું હવે નથી.ત્યારે હવે આગામી ૨૨ જુલાઈથી ભારતના બાર જયોતિર્લિંગમાં કથાનું ગાન થવાનું છે. આ કથા ૧૮ દિવસ ચાલશે. પરંતુ તેનું ગાન દરેક જયોતિર્લિંગમાં એક એક દિવસ એટલે કે ૧૨ દિવસ સુધી થશે. કથાના શ્રોતા ભાઈ -બહેનો આ કથા સાંભળવા માટે સ્પેશિયલ રેલ્વે દ્વારા મુસાફરી કરશે.એટલે કે બનારસના વિશ્વનાથ ભગવાનના જયોતિર્લિંગની કથા બપોરે પુરી થાય તે દિવસે રવાના થઈ બીજા દિવસે સવારે બીજા જયોતિર્લિંગમાં પહોંચશે.
આમ દરેક જયોતિર્લિંગમા ૧૨ દિવસ કથા ગાન થશે.બાકીના દિવસો મુસાફરી માટેના છે.પણ કુલ ૧૮ દિવસ પછી કથા સોમનાથમા તા. ૭-૮-૨૩ ના વિરામ પામશે. અને છેલ્લે ચિત્રકુટધામ તલગાજરડાના દર્શન કરી તા. ૮-૮-૨૩ ના રોજ ટ્રેનનો છેલ્લો સ્ટોપ દિલ્હી હશે. આ રીતે દરેક બાર જયોતિર્લિંગ એટલે કે ૧૨ દિવસ સુધી કથાગાન થશે. સાથોસાથ ભારતના ચાર મુખ્ય યાત્રાધામોને પણ આ કથાના યાત્રા સ્થળમાં આવરી લેવાયેલાં છે. શ્રોતા ભાઈ – બહેનો સ્પેશિયલ આઈઆરરટીસીની ભારત દર્શન ટ્રેનમાં મુસાફરી કરીને આ કથાનો લાભ મેળવશે. એટલે કે ભારતભરમાં ચાર યાત્રાધામો અને બાર જયોતિર્લિંગનોની યાત્રા કથા શ્રોતા ભાઈ બહેનોને પણ થઈ જશે.કુલ મળીને ૮૦૦૦ કિલોમીટરની આ યાત્રા ૭ ઓગસ્ટના રોજ ગુજરાતના છેલ્લાં જયોતિર્લિંગ સોમનાથ ખાતે સંપન્ન થશે. આ કથાના યજમાન તરીકે ઇન્દોરના આદેશ ટ્રસ્ટ સંસ્થા સમગ્ર વ્યવસ્થા આયોજિત કરવામાં આવી રહી છે. પૂ. બાપુની આ કથા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ તેવી થવાની છે. ૨૨ જુલાઈથી ૭ ઓગસ્ટ ૨૩, દરમિયાન યોજાનાર આ કથાયાત્રાને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. તેમ વેળાવદરના તખુભાઇ સાંડસુરની યાદીમાં જણાવાયું છે.