Sihor
સિહોરની બજારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો બેરોકટોક ઉપયોગ

દેવરાજ
વહિવટીતંત્રની નિષ્ક્રિયતાથી જાગૃત લોકોમાં કચવાટ, સરકારની ગાઈડલાઈનનો સરાજાહેર ભંગ કરતા વેપારીઓ સામે તંત્રનું મૌન
સિહોર શહેરમાં નીયત માઈક્રોનથી પાતળી પ્લાસ્ટીકની બેગનો વેપારીઓ દ્વારા સરાજાહેર બેરોકટોકપણે વપરાશ કરવામાં આવતો હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. આ ગંભીર બાબતે વહિવટીતંત્ર દ્વારા વાકેફ હોવા છતા આંખ આડા કાન કરવામાં આવતો હોય જાગૃત લોકોમાં આક્રોશ વ્યાપેલ છે. શહેરની વિવિધ બજારોમાં હોલસેલ તેમજ રિટેઈલર્સ, ખાણી-૫ીણીના વેપારીઓ શાકમાર્કેટ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ફરતા શાકબકાલા તેમજ ફ્રુટના વિક્રેતાઓ દ્વારા લારી-ગલ્લાઓમાં મનસ્વી રીતે નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો બેફામ વપરાશ કરાઈ રહ્યો છે. સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પ્લાસ્ટિકનો વ્યાપારી વિસ્તારોમાં જ નહિ બલકે એસ.ટી. બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન, વિવિધ સાર્વજનિક ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળોની આસપાસ પણ પ્લાસ્ટિકનો મનઘડત રીતે બેફામ વપરાશ કરવામાં આવતો હોય શહેરના મોટા ભાગના સ્થળોએ આવેલા ઉકરડાઓ, કચરાના પોઈન્ટ ઉપર ચોતરફ પ્લાસ્ટીકનો વેસ્ટેજ મહત્તમ સંખ્યામાં જોવા મળી રહ્યો છે.
જયા આગળ ગાય,બળદ સહિતના અબોલ પશુઓના પેટમાં આ પ્લાસ્ટીકના વેસ્ટેજ જતો હોય તેઓ મોતને ભેટતા હોય છે. આ ઉપરાંત સ્થાનિક તમામ વ્યાપારી વિસ્તારોમાં આવેલ ચાની લારીઓના ધારકો દ્વારા ચાના વેસ્ટેજ કપના સ્ટોરેજ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા ગ્રાહકો દ્વારા વપરાયેલા ચાના કપ આડેધડ રીતે ફેંકી દેવામાં આવતા હોવાથી શહેરની સ્વચ્છતાની ઈમેજને ઝાંખપ આવી રહી છે.આ ગંભીર બાબતે પર્યાવરણપ્રેમીઓ તેમજ જાગૃત લોકો દ્વારા વખતોવખત ઉચ્ચ કક્ષાએ સબંધિત સત્તાધીશોને જાણ કરવામાં આવતી હોવા છતા સત્તાધીશો અકારણ દુર્લક્ષ્ય સેવી રહ્યા છે. વહિવટીતંત્ર દ્વારા સિહોરની વિવિધ બજારોમાં પ્લાસ્ટીકના વપરાશ સંદર્ભે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્લાસ્ટીકનો જથ્થો મળી આવે તેમ છે.