Sihor
સિહોરના જીથરી ગામે હીરા લઇ જતા બે યુવકોના અકસ્માત, એકનું મોત
દેવરાજ
- પરિવારનું ગુજરાન ચલાવતા યુવકનું મોત થતાં ગમગીની છવાઇ
ભાવનગર શહેર જિલ્લના હાઇવે ઉપર એક પછી એક અકસ્માતોની વણઝારો ચાલું જ રહે છે. ત્યારે હજું ઘોઘા નજીક આવેલ ચોકડીએ થયેલ બાઇક અકસ્માતમાં જ બહેનને મુકી પરત આવતા ભાઇનું મોત થવા પામ્યું હતું ત્યારે જ ભાવનગરની હીરા લઇ બે યુવકો જીથરી ગામે જઇ રહ્યા હતા તે વેળાએ પાછળથી એક બાઇકના ચાલકે ઠોકર મારી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. સિહોર તાલુકાના જીથરી ગામે રહેતા વિપુલભાઇ મનજીભાઇ સાકરીયા (ઉ.વ.24) તેમજ નિતીનભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.23) બંન્ને કાચા હિરા લેવા ભાવનગર ખાતે આવ્યા હતા અને હીરા લઇ પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા તે વેળાએ નવાગામ – રાજપરા વચ્ચે પાછળથી આવેલા એક બાઇક ચાલકે બે યુવકોની બાઇકને ઠોકર મારતા બંન્ને યુવકો પોતાના બાઇક સાથે ડીવાઇડર સાથે ભટકાડી રોંગ સાઇડમાં ઢસડાયા હતા.
જેમાં બાઇકમાં પાછળ બેસેલા નિતીનભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમનું સારવારમાં મોત થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર એક શખ્સ નાસી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બનાવ બાદ વરતેજ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં વિપુલભાઇએ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવાન પરિવારનું ભરણ પોષણ કરતો હતો મૃતક નિતીનભાઇએ જીથરી ગામે તેના ઘરે હીરાની ઘંટી મુકી, ત્યાં કર્મચારીઓ પાસે કામ કરાવતા હતા. નિતિનભાઇને એક ભાઇ અને એક બહેનમાં સૌથી મોટા હતા અને નિતીનભાઇના પિતાનું પણ મોત નિપજતા સમગ્ર પરિવારનું ભરણ પોષણ નિતિનભાઇ કરતા હતા.