Sihor
સિહોરના ઘાંઘળી નજીક સોનપરી નદીના પુલ પર બે મહિલા બે પુરૂષો કારમાં દારૂ સાથે ઝડપાયા

પવાર
રાજસ્થાન થી દારૂ ભરીને આવતી કાર ભાવનગરના ઘૂસે તે પહેલાં સિહોર નજીકથી ઝડપાઇ, 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે, બે મહિલા બે પુરૂષો પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
સિહોર પોલીસ અને એલસીબી શાખાને મળેલ સંયુક્ત બાતમી આધારે વલ્લભીપુર તરફથી આવતી ફોર વ્હીલ કારમાં એક દંપતિ સહિત એક પુરૂષ અને એક સ્ત્રીને ઇંગ્લીશ દારૂનો જથ્થો સિહોરના ઘાંઘળી નજીક સોનપરી નદીના પુલ પાસેથી ઝડપી લેવાયો હતો.
મળતી વિગતો મુજબ સિહોર પોલીસ અને એલસીબી ટિમને મળેલી બાતમી આધારે ઘાંઘળીથી વલ્લભીપુર તરફ જતા રોડ ઉપર સોનપરી નદીના પુલ પાસે મરૂન કલરની સેવરોલેટ કંપનીની ટાવેરા ફોર વ્હીલ કારને અટકાવી તપાસ કરતા કારમાં તિલકનગર આડોડીયાવાસ પથ્થર દાદાના મંદિર પાસે રહેતા બ્રીજેશ રાઠોડ, તેમના પત્ની સુનેનાબેન તથા જલ્પેશ પટેલ, પુષ્પાબેન રાઠોડ નાઓને રાજસ્થાનના આબુ રોડ પાસેથી ગેરકાયદે વ્હીસ્કીના ૧૨ બોક્સ જેમાં ૫૭૬ પાઉચ, બીયરના ટીન ભરેલ ૧૯ બોક્સ જેમાં ટીન ૪૫૬નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે લઇ આવતા ઝડપાઇ જવા પામેલ. બે મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.