Sihor
વૈશાખમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, સિહોરના વરલ રામગઢ થોરાળી વિસ્તારોમાં ધોધમાર વરસાદ

બ્રિજેશ
ભર ઉનાળે બારે મેં ખાંગા
ભરઉનાળે ધોધમાર માવઠું વરસ્યું, સિહોર સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ત્રીજા દિવસે કમોસમી વરસાદ, ઉનાળાની ઋતુમાં માવઠુ પડતા ખેડૂતોની સ્થિતી કફોડી
સિહોર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારમાં આજે સોમવારે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર પંથકના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર કમોસમી વરસાદ પડયો હતો. ઉનાળાની ઋતુમાં માવઠુ પડતા ખેડૂતોની સ્થિતી કફોડી થઈ છે.
રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ આગાહી સાચી પડી છે અને સિહોર સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં થોડા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. સિહોર તાલુકાના વરલ રામગઢ થોરાળી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.
બપોરના સમયે ઠંડા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરલ રામગઢ થોરાળી સહિતના ગામડાઓના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. ખેતરોમાં પાણી ભરાય જતા ખેત મજુરોએ પરત ઘરે ફરવુ પડયુ હતું. સવારથી સૂર્યનારાયણના દર્શન થયા હતા જોકે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડયો હતો તેથી રોડ પર પાણી ભરાય ગયા હતાં.
અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેના કારણે રસ્તાઓ પર જાણે નદીઓ ભરાઈ હોય તેમ વરસાદી પાણીની નદી વહેતી જોવા મળી હતી. ઉલ્લેખનિય છે કે સાર્વત્રિક વરસેલા વરસાદના કારણે ઠેક-ઠેકાણે રસ્તા-ખેતરોમાં પાણી ભરાયા હતા. માર્ગો પર ભરાયેલા પાણીમાં વાહનોના અડધા ટાયર ડૂબી જતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તો માવઠાંના મારે ખેતીપાકોને નુકશાની થવાની દહેશત ઉભી કરતા જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે..