Sihor
સિહોર સહિત પંથકમાં આજે બીજા દિવસે તોફાની વરસાદ : કરા વરસ્યા : ભારે પવન ફૂંકાયો
પવાર
હજુ બુધવાર સુધી આગાહી..આજે બીજા દિવસે અનેક ગામડાંઓમાં કરા સાથે ધોધમાર વરસાદ, મીની વાવાઝોડું ફૂંકાયું, બપોર સુધી કાળઝાળ ગરમી બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ટાઢોબોળ પવન ફૂંકાયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હજુ બુધવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરાઇ છે ત્યારે આજે બીજા દિવસે સિહોર સહિત અનેક જગ્યા પર ગાજવીજ અને તોફાની પવન સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડયો છે. મીની વાવાઝોડા જેવા પવન અને કરા સાથે સિહોર પાણી પાણી થઇ ગયું હતું. બપોર સુધી કાળઝાળ ગરમી રહ્યા બાદ હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી હોય તેમ બીજા દિવસે મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં આવેલ પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર સુધી પરસેવે રેબઝેબ કરતી ગરમીનો સામનો કર્યા બાદ સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વીજળીના ચમકારા-કડાકા સાથે વરસી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
શહેરમાં સમયાંત્તરે અલગ-અલગ વિસ્તારોમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ વરસ્યા બાદ મીની વાવાઝોડાની જેમ ઠંડો પવન ફૂંકાતો રહ્યો હતો. ગ્રામ્ય પંથકમાં તેજ પવન અને વીજળીના કાન ફાડી નાંખે તેવા કડાકા-ભડાકા સાથે ધોધમાર . કમોસમી વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામોમાં કરા વરસ્યા હતા…