Sihor
આવતીકાલે સાતમના દિવસે સિહોરમાં નવનાથની યાત્રા યોજાશે – તમામ વ્યવસ્થાઓનો આખરી ઓપ
બ્રિજેશ
આવતીકાલે તા.06 ના રોજ સાતમના દિવસે સિહોર ધર્મજાગરણ સમન્વય અને ધર્મરક્ષા સમિતિ દ્વારા આયોજિત ચોથી નવનાથ યાત્રાને વધુ સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપવા માટે સિહોર મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. એક માન્યતા અનુસાર સિહોર એટલે છોટે કાશી એટલે કે જ્યાં નવનાથ મહાદેવ સાક્ષાત બિરાજે છે અને પવિત્ર શ્રાવણ માસમાં હજારો શિવભક્તો આ પ્રાચીન મંદીરોની તીર્થયાત્રા કરી ધન્યતા અનુભવે તે માટે સિહોર ધર્મજાગરણ સમન્વય અને ધર્મરક્ષા સમિતિ દ્વારા આ વર્ષે સમૂહમાં પગપળા નવનાથ યાત્રા યોજાશે જેમાં સાધુ સંતો, ભક્તો, સામાજિક અને ધાર્મિક આગેવાનો, મહિલા મંડળો વગેરેની ઉપસ્થિતિમાં હરહર ભોલે અને સંગીતના નાદ સાથે શિવમય માહોલમાં ભવ્ય નવ નાથયાત્રા નીકળશે.
આ નવનાથ યાત્રામાં મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં સાધુ સંતોનું આગમન, ધ્વજા આરોહણ, મહાઆરતી બાદ બપોરે 2 વાગ્યે નવનાથ યાત્રાને સંતો પ્રસ્થાન કરાવશે અને સિહોરના ભીમનાથ,પ્રગટનાથ, પંચમુખા મહાદેવ, રાજનાથ, રામનાથ, સુખનાથ, ભવનાથ, કામનાથ, જોડનાથ, ધારનાથ, ભૂતનાથ જેવા પ્રાચિન નવનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા યાત્રા યોજાશે અને યાત્રા બાદ “એક દિવસ ધર્મ માટે” નાં બેનર તળે પૂંજાનીય સાધુ સંતો ધર્મ સભાને સંબોધશે અને આ યાત્રામાં પધારેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. જે અન્વયે નવનાથ યાત્રાને વધુ સફળતા માટે તેમજ વ્યવસ્થા , સુચારુ આયોજન, જવાબદારીની વહેંચણી માટે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી.