Gujarat
ઘરના જ ઘાતકી : બૂટલેગરોની મદદ કરવા માટે પોલીસે જ પોલીસનું લોકેશન બૂટલેગરોને મોકલી રેડ નિષ્ફળ બનાવી !!
કાર્યાલય
સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના સર્વેલન્સ સ્ટાફના બે ભ્રષ્ટ કર્મીઓએ લોકેશન કાઢીને 600થી વધુ વાર બૂટલેગરોને મોકલ્યાનો ઘટસ્ફોટ: અત્યંત સંવેદનશીલ મામલાની તપાસ બાદ મોટા ધડાકા-ભડાકા થશે: બે પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક સસ્પેન્ડ
પોલીસની મુળભુત કામગીરી ગુનાખોરી તેમજ અનૈતિક પ્રવૃત્તિઓને જડમૂળથી ડામી દેવાની હોય છે પરંતુ અમુક અમુક લાંચીયા અને ભ્રષ્ટ પોલીસ કર્મીઓ આખા વિભાગને ડાઘ લગાવી રહ્યા હોય આબરૂ ધૂળધાણી થઈ રહી છે. આવો જ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો ભરુચ જિલ્લામાંથી બહાર આવ્યો છે જ્યાં પોલીસના અત્યંત મહત્ત્વના ગણાતા એવા સર્વેલન્સ વિભાગના બે કોન્સ્ટેબલો દ્વારા પોતાના જ સ્ટાફ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ-સ્ટાફનું લોકેશન બૂટલેગરોને મોકલી રેડ નિષ્ફળ બનાવી દેવાનું હિચકારું કૃત્ય આચર્યું છે !! આ મામલો પ્રકાશમાં આવતાં જ બન્ને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ભરુચ જિલ્લામાં સ્થાનિક પોલીસ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભરુચ જિલ્લામાં જે જગ્યાએ પણ રેડ પાડવામાં આવે તે નિષ્ફળ જઈ રહી હતી. આ પછી મામલાની આંતરિક તપાસ કરવામાં આવતાં એવો ભાંડાફોડ થયો હતો કે ટેક્નીકલ સર્વેલન્સ વિભાગમાં નોકરી કરતાં બે કોન્સ્ટેબલો દ્વારા જ આ કારસ્તાન આચરવામાં આવી રહ્યું છે.
આ બન્ને કોન્સ્ટેબલ બૂટલેગરો માટે જાસૂસી કરતા હતા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ-સ્ટાફ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ-સ્ટાફનું ‘લાઈવ લોકેશન’ બૂટલેગરોને મોકલી રહ્યા હતા. આવું તેમણે ત્રણ મહિનાની અંદર 600 વાર કર્યું હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. મતલબ કે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસના સ્ટાફનું લોકેશન ભરુચમાં કે જ્યાં બૂટલેગર દ્વારા નક્કી કરાયેલી જગ્યા પરનું આવે એટલે તુરંત જ તેને બૂટલેગરને મોકલી દેવામાં આવતા ગેરકાનૂની વસ્તુઓ સગેવગે થઈ જતી હતી. ત્રણ મહિનાની અંદર અનેક રેડ નિષ્ફળ જતી હોવાને કારણે આશંકા ઉઠી હતી.ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આખા ગુજરાતમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાથી બૂટલેગરોની સાથે સાથે સ્થાનિક પોલીસ પણ રીતસરની ફફડી રહી છે એટલા માટે સર્વેલન્સ સ્ટાફના બન્ને કોન્સ્ટેબલો કે જે સર્વેલન્સ વિભાગમાં નોકરી કરતા હતા તેમને સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ તેમજ પીઆઈ, પીએસઆઈનું લોકેશન વારંવાર શેયર કરવા માટે બૂટલેગરો દ્વારા મોટી રકમ ચૂકવવામાં આવતી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફના લોકેશન પણ બૂટલેગરોને મોકલવામાં આવતા હોવાનું ખુલવા પામતા જ બન્નેને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ મામલાની બારીકાઈથી તપાસ આરંભી દેવામાં આવી છે. જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ તેમ આ મામલે વધુ ધડાકા-ભડાકા થવાના ભણકારા વાગી રહ્યા છે.બીજી બાજુ આ બન્ને કોન્સ્ટેબલો અન્ય કોઈ અધિકારીના ઈશારે આવું કૃત્ય કરી રહ્યા હતા કે કેમ તેની પણ તપાસ અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં આ મામલો ગૃહવિભાગ સમક્ષ મુકવામાં આવશે અને ત્યારપછી જે પણ દોષિતો હશે તેની સામે આકરી કાર્યવાહી થવી નિશ્ચીત છે.