Sihor
તિરંગા હવાઓ સે નહીં, લેકિન વીરો કી સાંસો સે લહેરાતાં હૈ
કુવાડીયા
સિહોર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ… આન, બાન અને શાનભેર અભૂતપૂર્વ તિરંગા યાત્રા નીકળી : દેશપ્રેમ છલકાયો
ક્રિકેટ ગ્રાઉન્ડથી બસ્ટેન્ડ સુધી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ, વિદ્યાર્થીઓ, પ્રજાના પ્રતિનિધિઓ સામેલ : સિહોર પોલીસ પીઆઇ સહિતની ટીમનું અભુતપૂર્વ આયોજન : ઘોડેસવાર પોલીસ જવાનો, ડીજેની સુરાવલી, દેશભકિતના ગીતોનું આકર્ષણ, ઘોડેસ્વાર પોલીસ જવાનો તિરંગા યાત્રામાં જોડાયા, સવારમાં 8 વાગ્યાથી ક્રિકેટ ગ્રાઉન્ડ ભરચક દેખાયું
કાલે ૧૫ મી ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વ મનાવવા દેશભરમાં રાષ્ટ્રભક્તિ ખીલી ઉઠી છે. ત્યારે સિહોર કેમ પાછળ રહે? આજે પૂર્વ દિને શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડથી, વડલાચોક, મુખ્ય બજાર, મોટાચોક, કંસારા બજાર, સુરકાના દરવાજા, એસટી બસ્ટેન્ડ સુધીની તિરંગા યાત્રા યોજવામાં આવતા ચીકકાર માનવ મેદની ઉમટી પડી હતી. હાથમાં તિરંગા ધારણ કરી ભારત માતાનો જય જયકાર તેમજ વંદે માતરમના નારાઓ ગજાવાયા હતા. જિલ્લા પોલીસવડા હર્ષદ પટેલ, ડીવાયએસપી મિહિર બારૈયા, મામલતદાર જોગસિંહ દરબાર, પીઆઇ ભરવાડ, પીએસઆઇ ગૌસ્વામી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આ તીરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો.
આ તિરંગા યાત્રામાં શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાનને પણ ઉપસ્થિત સૌકોઇએ સમર્થન જાહેર કર્યુ હતુ. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે તા.13 થી 15 દરમ્યાન ઘરે ઘરે તિરંગા ધ્વજ લહેરાવવા સાથે આજે સિહોર પોલીસ દ્વારા આ તિરંગા યાત્રા જિલ્લા પોલીસવડા એસપી હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
તિરંગા યાત્રામાં બાઈક પર પોલીસ જવાનો, ઘોડેસવાર પોલીસ જવાનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ અવસરે જિલ્લા પોલીસવડા હર્ષદ પટેલેએ જણાવેલ કે, સમગ્ર ગુજરાત તિરંગામય બનેલ છે. અંગ્રેજોની ગુલામીમાંથી 76 વર્ષ પૂર્વે દેશ આઝાદ થયો હતો અને આવતીકાલે 77માં સ્વતંત્ર પર્વની ઉજવણી થશે. દેશના અનેક ક્રાંતિવીરો સ્વાતંત્ર સેનાનીઓએ શહિદી વહોરી દેશને આઝાદી અપાવેલ છે.
દેશને સ્વતંત્રતા અપાવનાર તમામ શહીદોને નમન કરતા જણાવ્યું હતું કે, તિરંગામાં કેસરી રંગ હિંમત અને બલિદાન, સફેદ રંગ શાંતિ અને સત્ય તથા લીલો રંગ સમૃદ્ધિ અને પ્રગતી માટેનું પ્રતીક છે. આજરોજ સિહોરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલ વિશાળ જનમેદની બતાવે છે કે, સિહોર રાષ્ટ્રભક્તિનાં રંગે રંગાયું છે. સમગ્ર વિશ્વમાં ભારત એ અનોખી શાન છે. આજે સિહોરમાં યાત્રાએ વાસ્તવમાં તિરંગા માહોલ સર્જી દીધો હતો. જેનું ખુબ આકર્ષણ દેખાયું હતું.
સિહોર દેશ ભક્તિમાં લીન બન્યું, હજારો લોકો જોડાયા, ઠેર ઠેર સ્વાગત સન્માન
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સિહોર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું. યાત્રાનાં માર્ગ પર ઠેર ઠેર સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયનાં પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા સાથે યુવાનોએ ’વંદે માતરમ’, ’ભારત માતા કી જય’ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું.
આ યાત્રાને જોવા માટે આખું સિહોર હિલોળે ચડ્યું હતું, સ્કૂલના બાળકો, એન.સી.સી., પોલીસ, હોમગાર્ડના જવાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ યાત્રામાં સહભાગી બનીને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ કરી હતી.